
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
પ્રભારી સચિવ હર્ષદ પટેલે બેઠકમાં ઉપસ્થિત રહીને નાગરિકોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સૂચનાઓ આપી.
ભુજ,તા-૧૯ જુલાઈ : કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનરશ્રી હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિ ઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે પ્રભારી સચિવ એ સંબંધિત વિભાગના અધિકારી ઓને સૂચનાઓ આપી હતી. કચ્છ કલેક્ટર આનંદ પટેલે જનપ્રતિનિધિ ઓના સંકલન બેઠકના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે તમામ પ્રયાસો કરવા માટે સંબંધિત અધિકારી ઓને માર્ગદર્શન આપીને તાકીદ કરી હતી. પ્રભારી સચિવ હર્ષદ પટેલે માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે, જીએસઆરડીસી, હેલ્થ અને આંગણવાડીના અધિકારી ઓ પાસેથી હયાત જાહેર માળખાકીય સુવિધાઓ અંગેની વિગતો મેળવી હતી. વરસાદી સિઝન દરમિયાન રોડ રસ્તાઓનું રીપેરીંગ ઝડપથી થાય, ભયજનક બ્રીજ અને સરકારી માળખાઓને પ્રતિબંધિત કરવામાં આવે તે માટે પ્રભારી સચિવ એ સંબંધિત અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ રોડ રસ્તાના રીપેરીંગ કામો ત્વરિત રીતે પૂર્ણ કરવા અને તેને લઈને ચોક્કસ આયોજન કરવા મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાંસદ એ ભુજમાં ભારે વાહનોના નિયમન અંગે રજૂઆત કરી હતી.
સંકલન બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અકસ્માત વીમા યોજના, પાક ધિરાણ, નખત્રાણા ખાતે જાબરી ડેમ નિર્માણ, દયાપર સરકારી કોલેજ, અબડાસાના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના નવા ઓરડાઓનું નિર્માણ, ગૌમાતા પોષણ યોજના, વાહન આરટીઓ કેમ્પ, અબડાસામાં વિવિધ વીજ સબ સ્ટેશનના કામો, પ્રોપર્ટી કાર્ડ, કપચી કાંકરીના ભાવ, સુથરી ખાતે બળવંતરાય મહેતા સ્મારકના વિકાસનું કાર્ય, વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા, આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા વાહનોને દંડની કાર્યવાહી વગેરે સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા વનવિભાગની રોપા વિતરણ અને ઉછેરની કામગીરી, ભારાપર બળદિયા કેરા બાયપાસ, ખેડોઈ અને લાખાપર ખાતે બેંક સુવિધા, ટોલબુથનું નિયત અંતરે નિર્માણ, લીલાશાહ કુટિયા રેલવે ક્રોસિંગ, ભચાઉ હાઈવે ઉપર બ્રીજ અને અન્ડરબ્રીજ કે ક્રોસિંગ વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ, ઓવરબ્રીજની કામગીરી અને આંગણવાડી માટે જમીન ફાળવણી વગેરે બાબતે મૌખિક પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓની તમામ રજૂઆતોને પ્રાથમિકતા આપીને નાગરિકોના હિતમાં તમામ પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવવા બાબતે પ્રભારી સચિવ હર્ષદ પટેલ અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારી ઓને કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વ માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ, સર્વે પ્રાંત અધિકારી ઓ અને કચ્છ વહીવટીતંત્રના શીર્ષ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.










