ઓગસ્ટ ૨૦૨૫ : ઈક્વિટી ફંડમાં પ્રવાહ ઘટ્યો, ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું…!!

મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જુલાઈના રૂ.૪૨,૭૦૨.૩૫ કરોડની તુલનામાં ઓગસ્ટમાં ઈક્વિટી ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ૨૧ ટકાનો ઘટાડો સાથે રૂ.૩૩,૪૩૦ કરોડ નોંધાયો. તેમ છતાં, સતત ૫૪મા મહિને ઈક્વિટી ફંડોમાં સકારાત્મક પ્રવાહ યથાવત રહ્યો.
ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વહીવટ હેઠળની સંપત્તિ (AUM) જુલાઈના રૂ.૭૫.૩૫ લાખ કરોડથી થોડું ઘટીને રૂ.૭૫.૧૮ લાખ કરોડ રહી. જોકે, રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોઝ જુલાઈના અંતે ૨૪.૫૭ કરોડથી વધીને ઓગસ્ટમાં ૨૪.૮૯ કરોડ થયા છે, જે જૂનના અંતે ૨૪.૧૩ કરોડ હતા. આ દરમિયાન કુલ ૨૩ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો લોન્ચ થઈ, જેના માધ્યમથી રૂ.૨૮૫૯ કરોડ એકત્ર થયા. તુલનાત્મક રીતે, જુલાઈમાં ૩૦ નવી સ્કીમો દ્વારા રૂ.૩૦,૪૧૬ કરોડ એકત્ર થયા હતા.
કેટેગરી પ્રમાણે જોવામાં આવે તો ઓગસ્ટમાં ફ્લેક્સી-કેપ ફંડોમાં સૌથી વધુ રૂ.૭૬૭૯ કરોડનું રોકાણ થયું. ત્યારબાદ મિડ-કેપ ફંડોમાં રૂ.૫૩૩૧ કરોડ અને સ્મોલ-કેપ ફંડોમાં રૂ.૪૯૯૩ કરોડની એન્ટ્રી જોવા મળી. લાર્જ-કેપ ફંડોમાં પણ સુધારો જોવા મળ્યો છે અને તેમાં રૂ.૨૮૩૫ કરોડનું રોકાણ થયું. સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં જુલાઈના રૂ.૯૪૨૬ કરોડની તુલનામાં ઓગસ્ટમાં રૂ.૩૮૯૩ કરોડનું રોકાણ થયું.
બીજી બાજુ, ડેટ ફંડોમાં ઓગસ્ટમાં રૂ.૭૯૮૦ કરોડની આઉટફ્લો નોંધાઈ છે, જ્યારે જુલાઈમાં આ કેટેગરીમાં મજબૂત રૂ.૧.૦૬ લાખ કરોડની એન્ટ્રી થઈ હતી. આ ઘટાડો મુખ્યત્વે લિક્વિડ ફંડોમાં જોવા મળ્યો, જેમાં કોર્પોરેટ અને ઈન્સ્ટિટ્યુશનલ રોકાણકારો દ્વારા ટૂંકા ગાળાના ઉપાડને કારણે રૂ.૧૩,૩૫૦ કરોડનું રીડેમ્પશન થયું. કોર્પોરેટ બોન્ડ ફંડોમાં રૂ.૮૨૫ કરોડ અને ગિલ્ટ ફંડોમાં રૂ.૯૨૮ કરોડની આઉટફ્લો નોંધાઈ.
હાઈબ્રિડ ફંડોમાં પણ જુલાઈના રૂ.૨૦,૮૭૯ કરોડની તુલનામાં ઓગસ્ટમાં પ્રવાહ ઘટીને રૂ.૧૫,૨૯૩ કરોડ રહ્યો. જોકે, ગોલ્ડ ETFમાં રોકાણકારોની રસ વધુ જોવા મળી રહ્યો છે. જુલાઈના રૂ.૧૨૫૬ કરોડની તુલનામાં ઓગસ્ટમાં આ કેટેગરીમાં રૂ.૨૧૯૦ કરોડનું રોકાણ થયું.



