ઓગસ્ટમાં ઓટો રિટેલ વેચાણમાં ફક્ત ૨.૮૪% વૃદ્ધિ…!!

ઓગસ્ટ ૨૦૨૫માં ઓટો રિટેલ સેક્ટરે માત્ર ૨.૮૪ ટકાની નરમ વૃદ્ધિ નોંધાવી હતી, જોકે આ સમયગાળા દરમિયાન ઓનમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો હતા. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના જણાવ્યા મુજબ, ગ્રાહકો જીએસટી ઘટાડાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે ઘણા લોકોએ ખરીદી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી. જીએસટીમાં ઘટાડો ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો હોવાથી દશેરા અને દિવાળી દરમિયાન વેચાણમાં ઉછાળો આવવાની અપેક્ષા છે.
ઓગસ્ટમાં ટ્રેક્ટર સેગમેન્ટે ૩૦૧.૪ ટકાનો તેજી ભર્યો ઉછાળો નોંધાવ્યો, જ્યારે બાકીના મોટાભાગના સેગમેન્ટમાં વૃદ્ધિ એક અંકમાં સીમિત રહી. ટુ વ્હીલર્સનું વેચાણ ૨.૧૮ ટકા વધ્યું, પેસેન્જર વાહનોમાં માત્ર ૦.૯૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ, અને કમર્શિયલ વાહનોનું વેચાણ ૮.૫૫ ટકા વધ્યું. બીજી તરફ, થ્રી-વ્હીલર્સ અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના વેચાણમાં અનુક્રમે ૨.૨૬ ટકા અને ૨૬.૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ગયા વર્ષની સરખામણીએ ઓગસ્ટ ૨૦૨૫માં કુલ ઓટો રિટેલ વેચાણ ૧૯.૧૦ લાખથી વધીને ૧૯.૬૦ લાખ સુધી પહોંચ્યું. જુલાઈની સરખામણીએ પણ ૧.૩૪ ટકાનો સુધારો જોવા મળ્યો. કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તહેવારોના કારણે વેચાણ સારું રહ્યું, પરંતુ દેશના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિએ ગ્રામ્ય વિસ્તારોમાં માંગને અસર કરી. ડીલરો માને છે કે આવનારા દશેરા અને દિવાળી તહેવારોમાં વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે.



