રિટેલ રોકાણકારોના સીધા ઇક્વિટી રોકાણમાં ૯૦%નો ઘટાડો, મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળતો વિશ્વાસ…!!

ભારતીય શેરબજારમાં વધી રહેલી ઉથલપાથલ વચ્ચે રિટેલ રોકાણકારોના સીધા ઇક્વિટી રોકાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી રિટેલ રોકાણકારો તરફથી ચોખ્ખો પ્રવાહ માત્ર રૂ.૧૩,૨૭૩ કરોડ રહ્યો છે, જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે આ આંકડો રૂ.૧.૧ લાખ કરોડ હતો. આ રીતે એક વર્ષમાં લગભગ ૯૦%નો ઘટાડો થયો છે.
માર્ચ ૨૦૨૫માં રિટેલ રોકાણકારોએ રૂ.૧૪,૩૨૫ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જે ૨૦૧૬ પછીનો તેમનો સૌથી મોટો માસિક આઉટફ્લો હતો. છેલ્લા ૯ મહિનામાંથી ૫ મહિનામાં તેઓ ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. જો કે, જુલાઈ અને ઓગસ્ટમાં થોડો ખરીદીનો ઝોક દેખાયો હતો, પણ સપ્ટેમ્બરમાં ફરી એકવાર તેઓ વેચાણ તરફ વળ્યા છે.
બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ જેવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં મજબૂત પ્રવાહ લાવી રહ્યા છે. ખાસ કરીને એસઆઈપી, વીમા પ્રીમિયમ અને નિવૃત્તિ યોજનાઓ દ્વારા એકત્ર થતું ભંડોળ સીધા રોકાણમાંથી ખસી રહેલા નાના રોકાણકારોના મૂડીનું સ્થાન લઈ રહ્યું છે.
નિષ્ણાતોના મતે, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધુ પડકારજનક બનતા, રિટેલ રોકાણકારો પરંપરાગત “ખરીદો અને પકડી રાખો” વ્યૂહરચના છોડીને ઔપચારિક રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે. ઘણા રોકાણકારોને ગયા વર્ષની તેજી દરમિયાન થીમેટિક શેરોમાં ભારે નુકસાન થયું હતું, જેનાથી તેમની રોકાણની દિશા બદલાઈ રહી છે.



