ભારતને સાવચેતીપૂર્વક વાટાઘાટ કરવાની ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સલાહ…!!

અમેરિકાએ ચીનના માલસામાન પર ૧૦૦%નો ટેરિફ લગાવવાના નિર્ણય બાદ ભારતે અમેરિકા સાથેની દ્વીપક્ષીય વેપાર વાટાઘાટોમાં સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ, એવી સલાહ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI) દ્વારા આપવામાં આવી છે. સંસ્થાના રિપોર્ટમાં ભારતને ચેતવણી આપવામાં આવી છે કે અમેરિકા પર વધુ આધાર રાખવા કરતાં આત્મનિર્ભરતાની દિશામાં પ્રયત્નો તેજ કરવા જરૂરી છે.
રિપોર્ટ મુજબ ચીન અને અમેરિકાની વચ્ચે ટેરિફ સંબંધિત હાલની કાર્યવાહી અત્યંત આક્રમક સ્વરૂપ ધારણ કરી રહી છે. આવી સ્થિતિમાં ભારતે વાટાઘાટોમાં સમાન શરતો અને હિતોને પ્રાથમિકતા આપવી રહી. સાથે જ, અમેરિકા સાથેના કોઈપણ કરારને અંતિમ ગણવો યોગ્ય નહીં રહે, કારણ કે તેની નીતિઓ વારંવાર બદલાતી રહે છે.
ભવિષ્યમાં વૈશ્વિક વેપારના આંચકાઓ સામે રક્ષણ મેળવવા માટે ભારતે મહત્વપૂર્ણ ટેકનોલોજી અને ખનિજ તત્વોના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવી જરૂરી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પશ્ચિમ દેશો તથા બ્રિક્સ ગઠબંધન બંને સાથે તટસ્થ અને સંતુલિત સંબંધો જાળવી રાખવા ભારત માટે વ્યૂહાત્મક રીતે લાભદાયક રહેશે. અમેરિકા-ચીન વચ્ચેના વેપાર તણાવમાં વધારો થતાં વીજ વાહનો, વિન્ડ ટર્બાઈન્સ અને સેમિકન્ડક્ટર પાર્ટ્સ જેવી મુખ્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.



