BUSINESS

ટેરિફના આઘાતથી અમેરિકામાં ભારતની એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો…!!

અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લગાવ્યા બાદ ભારતની એન્જિનિયરિંગ નિકાસ પર ગંભીર અસર થવાની ધારણા છે. અંદાજ મુજબ, ભારતની યુએસમાં એન્જિનિયરિંગ નિકાસમાં આશરે 7.5 થી 8 અબજ ડોલરનો ફટકો પડી શકે છે. આ ક્ષેત્રની લગભગ તમામ પ્રોડક્ટ્સ હવે 50% ટેરિફ હેઠળ આવી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ ટેરિફને કારણે વ્યવસાય અડધી સપાટીએ આવી ગયો છે, જ્યારે નવા ઓર્ડરો લગભગ બંધ થઈ ગયા છે.

2024-25 દરમિયાન અમેરિકામાં ભારતની કુલ એન્જિનિયરિંગ નિકાસ 20 અબજ ડોલર રહી હતી. તેમાં 5 અબજ ડોલરની નિકાસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત ઉત્પાદનોમાંથી, 2.6 અબજ ડોલર ઓટો સેક્ટરમાંથી, જ્યારે બાકીના 12.5 અબજ ડોલર અન્ય એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાંથી આવ્યા હતા. સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસમાં આશરે 20% ઘટાડાની ધારણા છે, જ્યારે ઓટો સેક્ટરમાં 0.5 અબજ ડોલરનો ઘટાડો થવાની સંભાવના છે.

જુલાઈમાં ટેરિફની સમયમર્યાદા અમલમાં આવે તે પહેલાં નિકાસકારોએ મોટા પાયે માલ મોકલ્યો હતો. પરિણામે એપ્રિલ-જુલાઈ દરમિયાન ભારતની કુલ એન્જિનિયરિંગ નિકાસ 6.08% વધી 39.34 અબજ ડોલર થઈ, જેમાં અમેરિકામાં નિકાસ 12.6% વધી 6.95 અબજ ડોલર સુધી પહોંચી હતી. માત્ર જુલાઈમાં જ નિકાસ 19.2% વધીને 1.81 અબજ ડોલર નોંધાઈ હતી.

આ દરમિયાન ઔદ્યોગિક મશીનરી અમેરિકામાં સૌથી મોટી નિકાસ રહી, જે એપ્રિલ-જુલાઈમાં 17% વધીને 1.57 અબજ ડોલર સુધી પહોંચી હતી.

Back to top button
error: Content is protected !!