BUSINESS

જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકડ ભંડોળ ૧૮% વધ્યું, પહેલીવાર ૪ લાખ કરોડ પાર…!!

જુલાઈ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું રોકડ ભંડોળ પહેલીવાર રૂ.૪ લાખ કરોડની સપાટી પાર કરી ગયું છે. પ્રાઈમએમએફના તાજા આંકડા દર્શાવે છે કે સતત બે મહિના ઘટાડા બાદ જુલાઈમાં કેશ હોલ્ડિંગ લગભગ 18% વધીને રૂ. 4.16 લાખ કરોડ સુધી પહોંચી ગયું. નિષ્ણાતોના કહેવા મુજબ આ વધારો શેરબજારમાં ઊંચા મૂલ્યાંકન, ટ્રેડિંગ અનિશ્ચિતતા અને નવી ફંડ ઓફરોના પ્રવાહને કારણે થયો છે.

ફંડ હાઉસીસમાં સૌથી વધુ વધારો એસબીઆઈ, એક્સિસ અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળ્યો, જેમણે અનુક્રમે રૂ. 10,396.19 કરોડ, રૂ. 7,952.85 કરોડ અને રૂ. 4,404.51 કરોડ જેટલું રોકડ ભંડોળ વધાર્યું. બીજી તરફ, ફ્રેન્કલિન ટેમ્પલટન, કેનેરા રોબેકો, પીજીઆઈએમ ઇન્ડિયા અને ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના કેશ હોલ્ડિંગ રૂ. 419.64 કરોડથી રૂ. 597.82 કરોડની વચ્ચે ઘટી ગયા.

ઇક્વિટી સ્કીમ્સમાં પણ કેશ હોલ્ડિંગ નેટ રૂ. 2,034.61 કરોડ વધીને રૂ. 1.52 લાખ કરોડ થયું. ઇક્વિટી એસેટ અંડર મેનેજમેન્ટની ટકાવારી પ્રમાણે ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ, ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ, PPFAS અને ઓલ્ડ બ્રિજ મ્યુચ્યુઅલ ફંડમાં 10.5%થી 12.96% સુધી રોકડ રાખવામાં આવ્યું છે, જ્યારે સેમકો અને મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 8% રોકડ જાળવાયું છે.

જુલાઈમાં લોન્ચ કરાયેલા 30 નવા ફંડ ઓફરોનો પણ કેશ હોલ્ડિંગના વધારામાં મોટો ફાળો રહ્યો છે, કારણ કે વિવિધ ફંડ હાઉસીસે નવા રોકાણકારોથી મેળવેલી રકમ તાત્કાલિક રૂપે રોકડ રૂપે જાળવી રાખી હતી.

Back to top button
error: Content is protected !!