BUSINESS

SME શેરોમાં નવા લિસ્ટિંગ્સ છતાં ટ્રેડિંગ ધીમું…!!

નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઆઈ) માટે નવા લિસ્ટિંગ્સ બજારમાં સતત આવી રહ્યા છે, છતાંયે આ શેરોમાં ટ્રેડિંગની ગતિશીલતા જેટલી અપેક્ષિત હતી એટલી જોવા મળી નથી. આ ટ્રેન્ડનો અંદાજ સોદાની સરેરાશ સંખ્યા, ટ્રેડ થયેલી કંપનીઓની સંખ્યા, ટ્રેડેડ શેરનું પ્રમાણ અને સોદાના કુલ મૂલ્ય પરથી લગાવી શકાય છે.

જોકે ટ્રેડ થયેલી કંપનીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, પરંતુ સોદાઓની સંખ્યા, ટ્રેડેડ શેર અને તેમનું મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં બીએસઈ એસએમઆઈ પ્લેટફોર્મ પર સોદાની સંખ્યામાં વાર્ષિક ધોરણે ફક્ત ૬.૪% નો વધારો થયો, જ્યારે ગયા વર્ષે આ વૃદ્ધિ ૧૩.૨% હતી. તે જ સમયે, ટ્રેડેડ શેરના સરેરાશ મૂલ્યમાં ૧૦.૪% નો ઘટાડો થયો અને ટ્રેડેડ શેરની સંખ્યામાં ૨૫%થી વધુનો ઘટાડો નોંધાયો. એનએસઈના જુલાઈ મહિનાના ડેટા પણ આ જ પ્રકારની સ્થિતિ દર્શાવે છે.

ઓગસ્ટ ૨૦૨૪ પછીથી અત્યાર સુધી એસએમઆઈ પ્લેટફોર્મ પર ૨૦૧ કંપનીઓ લિસ્ટ થઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ સરેરાશ દૈનિક વોલ્યુમ જુલાઈના અંત સુધીમાં વાર્ષિક ધોરણે ૪૬.૯% ઘટ્યો છે, જ્યારે મુખ્ય પ્લેટફોર્મ પર આ ઘટાડો ૩૨.૨% રહ્યો હતો. હજુ વધુ સત્તાવાર ડેટા બહાર આવવાનો બાકી છે.

બીએસઈના આંકડા મુજબ, ૨૦૧૨માં એસએમઆઈ પ્લેટફોર્મની શરૂઆતથી લઈને અત્યાર સુધી ૬૦૮ કંપનીઓએ કુલ રૂ.૧૦,૯૧૨.૧૫ કરોડ એકત્ર કર્યા છે, જેમાંથી ૧૯૬ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર થઈ ગઈ છે. એનએસઈના પ્લેટફોર્મ પર જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૬૪૭ લિસ્ટેડ કંપનીઓએ રૂ.૧૮૬૯૭ કરોડ એકત્ર કર્યા હતા અને તેમાંની ૧૪૭ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ગઈ છે. એનએસઈ પર લિસ્ટેડ એસએમઆઈનું કુલ માર્કેટ કેપ જુલાઈના અંત સુધી રૂ.૨.૨ લાખ કરોડ રહ્યું હતું.

Back to top button
error: Content is protected !!