મોટી કંપનીઓને આઈપીઓમાં રાહત : સેબીએ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કર્યા…!!

મૂડીબજાર નિયામક સેબીએ આઈપીઓ લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ જાહેર હિસ્સેદારી (MPS) સંબંધિત નિયમોમાં રાહત આપી છે. લિસ્ટિંગ બાદ રૂ.૫,૦૦,૦૦૦ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓને હવે જાહેર જનતાને ફક્ત ૨.૫ ટકા હિસ્સો વેચવો પડશે, જ્યારે અગાઉ આ મર્યાદા ૫ ટકા હતી. સાથે જ સોવરિન-બેક્ડ તથા વિદેશી રિટેલ ફંડ્સ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે જેથી તેઓ સ્થાનિક બજારમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે.
સુધારેલા નિયમો મુજબ નાના અને મધ્યમ કદની કંપનીઓ માટે હાલના MPO/MPS નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ રૂ.૫૦,૦૦૦ કરોડથી ૧ લાખ કરોડ વચ્ચેના માર્કેટ કેપ ધરાવતા ઈશ્યૂઅર્સને ૬,૨૫૦ કરોડનો MPO લાવવો પડશે અને ઓછામાં ઓછા ૨.૭૫ ટકા જાહેર હિસ્સો આપવો પડશે. સૌથી મોટી કંપનીઓ માટે ૧૫,૦૦૦ કરોડ MPO તથા ઓછામાં ઓછા ૨.૫ ટકા જાહેર હિસ્સો ફરજિયાત રહેશે. જો લિસ્ટિંગ સમયે જાહેર હિસ્સો ૧૫ ટકા કરતાં ઓછો હોય, તો પાંચ વર્ષમાં તેને ૧૫ ટકા અને દસ વર્ષમાં ૨૫ ટકા સુધી વધારવો પડશે.
સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું કે આ ફેરફારો મોટી કંપનીઓને IPO સમયે હિસ્સો ઘટાડવાની મુશ્કેલીમાંથી રાહત આપશે અને સાથે જ બજારમાં પૂરતા પ્રમાણમાં તરલતા તથા રિટેલ રોકાણકારોને શેર ઉપલબ્ધ થશે. IPOમાં રિટેલ રોકાણકારો માટે ૩૫ ટકા અનામત યથાવત રહેશે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અંડરસબ્સ્ક્રિપ્શન સ્પિલઓવરને મંજૂરી આપવામાં આવી છે.



