દહેજમાં દારૂનો મોટો જથ્થો પકડાયો:ભુતનાથ મહાદેવ પાસે ઝૂંપડામાંથી ₹2.70 લાખનો વિદેશી દારૂ મળ્યો, બે ઝડપાયા


સમીર પટેલ, ભરૂચ
દહેજ પોલીસે ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ઝુપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹2.70 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં પીઆઈ એચ.બી.ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહ દલપતસિંહને મળેલી બાતમીના આધારે જુના બંદર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને ઝુપડામાંથી મિણીયાની થેલીમાં 1763 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની 180 મી.લી.ની બોટલો અને બીયરના 500 મી.લી.ના ટીનનો સમાવેશ થાય છે. કુલ દારૂની કિંમત ₹2,65,350 અને એક મોબાઇલ કિંમત ₹5,000 મળી કુલ ₹2,70,350નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળીયો રામદેવ ભગતની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ છે.
દહેજ પોલીસે આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલમ 65(એ)(ઈ), 81, 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



