
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં લહાનમાળુંગા ગામ ખાતે પિધેલાનો કેસ કરવા બાબતે ઝઘડો થતા પિતા – પુત્ર એ ભાઈ અને ભાભી પર પથ્થર,દાતરડા અને હથોડી વડે હુમલો કર્યો હતો.જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા દંપતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો.વઘઈ તાલુકાના લહાનમાળુંગા ગામ ખાતે રહેતા વસંતભાઇ ચિંતામણ ચૌહાણ ઉપર ત્રણેક મહિના અગાઉ સાપુતારા પોલીસ સ્ટેશનમા દારૂ પીધેલાનો કેસ થયો હતો.અને તે કેસના કારણે તા.13/08/2024ના રોજ વસંતભાઇ ચૌહાણ આહવા કોર્ટમાં તારીખે ગયેલ હતા.ત્યારે વસંતભાઇ ચૌહાણ રાત્રીના આઠેક વાગ્યે પોતાના ઘરના ઓટલા ઉપર બેસી તેમના ભાઈ કિશનભાઇ ચિંતામણભાઇ ચૌહાણને બોલતા હતા કે, “મે તમારૂ આટલુ સારૂ રાખેલ છે તેમ છતા તમે મારા ઉપર સાપુતારા પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલાનો કેસ કરી મને કોર્ટના પગથીયા ચઢાવેલ છે.” તેમ કહેતા કિશનભાઇ ચૌહાણ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.અને આંગણામાં દોડી આવી તેમને ગાળો બોલતા હતા.ત્યારે વસંતભાઇ ચૌહાણ પણ આંગણામાં જતા કિશનભાઇ એ મારામારી કરી નજીકમાં પડેલ પથ્થર હાથથી ઉચકીને પથ્થરથી વસંતભાઈનાં માથામાં તથા પીઠ ઉપર મારી માથામાં તથા પીઠનાં ભાગે મુઢ ઇજા પહોંચાડી હતી.તેમજ કિશનભાઇના પુત્ર યોગેશભાઇએ પોતાના ઘરેથી હાથમાં દાતરડુ લઇ આંગણામાં દોડી આવી (કાકા)વસંતભાઈને માથાના પાછળના ભાગે તથા જમણા હાથમાં કાંડાના ભાગે તથા જમણા પગમાં ઘુટણ નીચે અને કપાળમાં જમણી આંખ અને કાન વચ્ચેના ભાગે દાતરડાથી ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જેથી વસંતભાઇની દીકરી જ્યોતિબેન અને તેમની પત્ની પ્રભાબેન છોડાવવા જતા યોગેશભાઇ ચૌહાણએ કાકી પ્રભાબેનનાં હાથમાં હથેળીના ભાગે દાતરડાનો ઘા કર્યાં હતા.બાદમાં યોગેશે પોતાના ઘરેથી હાથમાં હથોડી લઇ આવી કાકા વસંતભાઇને આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી મારી નાખવાના ઇરાદે કપાળના ભાગે આગળ દાતરડાથી મારેલ તેજ જગ્યાએ હથોડીથી ઘા મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી.ત્યારે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને લઇને વસંતભાઇ દીકરી એ બંને આરોપીઓ વિરૂદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં સાપુતારા પી.આઈ. એન.ઝેડ.ભોયાએ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





