
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોરીગાવઠા ગામ વિસ્તારમાં લાકડાની ચોરી અટકાવવાનાં પ્રયાસ દરમિયાન વન વિભાગના રોજમદાર કર્મી પર અજાણ્યા લાકડાચોરોએ ઘાતક હુમલો કરતા વન કર્મીનું મોત નિપજ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.હાલમાં આ બનાવ બાબતે ફરિયાદી હરેશકુમાર રણછોડભાઈ ચૌધરી (ઉ.વ. 33), ધંધો-નોકરી, હાલ રહે. વઘઈ રેન્જ ફોરેસ્ટ દ્વારા વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ મુજબ, તા. 31/01/2026 ના રોજ રાત્રિના 01:21 થી 02:00 કલાક દરમિયાન બોરીગાવઠા ગામે આંબાવાડી ફળીયુ વિસ્તારમાં, મોતીરામભાઈ ભીકલભાઈ ચૌધરીના ખેતરમાં આવેલ ઝૂંપડા નજીક જાહેર રોડ પર આ ઘટના બની હતી.મૃતકની ઓળખ રોજમદાર વનકર્મી સનતભાઈ ગનસુભાઈ બીરારી, રહે. વાંઝટઆંબા, તા. વઘઈ, જી. ડાંગ હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનામાં વઘઇ પોલીસની ટીમ દ્વારા અજાણ્યા ત્રણ લાકડાચોર ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ આરોપીઓના નામ-સરનામા હાલ અજાણ્યા છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, લાકડાની ચોરી કરતા ત્રણ અજાણ્યા ઇસમોને અટકાવવા જતા સનતભાઈ સાથે આરોપીઓએ ઝઘડો-તકરાર કરી હતી. ત્યારબાદ આરોપીઓએ પોતાની પાસે રહેલા લાકડા તેમજ અન્ય કોઈ ધારદાર સાધન વડે સનતભાઈના માથા તથા કપાળના ભાગે ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને ઈરાદાપૂર્વક મોત નિપજાવ્યું હતુ.હાલમાં વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એસ. રાજપૂત તથા પી.આઈ.વી.કે.ગઢવી, દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..




