Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિંછીયા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

તા.૧૩/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વેપારીઓ તથા શહેરીજનેએ ઠેર-ઠેર યાત્રાનું સ્વાગત કર્યું
Rajkot: દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ… ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે તા.૧૩ ઓગસ્ટના રોજ વિંછીયા તાલુકા વહિવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આયોજિત આ તિરંગા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું.
રાષ્ટ્રધ્વજ પ્રત્યે નાગરિકોમાં સન્માનની ભાવના વધુ પ્રબળ બને, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની વધુ પ્રેરણા મળે તે હેતુથી આ યાત્રા યોજાઈ હતી. આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત મહાનુભાવશ્રીઓ તેમજ શહેરીજનો હાથમાં તિરંગો લઈને યાત્રામા જોડાયા હતાં.
તાલુકા સેવાસદનથી શરૂ થયેલી તિરંગા યાત્રા ડો. બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી હતી. આ તકે મંત્રી શ્રી સહિત મહાનુભાવશ્રીઓએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવીને તેમના ચરણોમા નમન કર્યું હતું.
અહીંથી યાત્રા પાણી દરવાજા થઈને માત્રા દરવાજા થઈ શહીદ ઝવેરભાઈ રામજીભાઈ વાલાણી તાલુકા કુમાર શાળા ખાતે તિરંગા યાત્રા પહોંચી હતી. આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ મહાનુભાવશ્રીઓએ કારગિલ યુદ્ધના શહીદ ઝવેરભાઈ રામજીભાઈ વાલાણીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
યાત્રા દરમિયાન મા તુજે સલામ, વંદે માતરમ સહિત દેશભક્તિના ગીતોથી શહેરની ગલીઓ ગુંજી ઊઠી હતી. સાથે જ વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ શહેરીજનોએ આઝાદી અમર રહો, વંદે માતરમ, ભારત માતા કી જય ના સૂત્રો પોકાર્યા હતાં.
મુખ્ય બજાર તેમજ શહેરની ગલીઓમાં વેપારીઓ સહિત શહેરીજનેએ ભવ્ય તિરંગા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કર્યું હતું. યાત્રામાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવના સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો.








