Rajkot: જસદણ-આટકોટમાં તિરંગા યાત્રાને પુષ્પવર્ષાથી વધાવતા વેપારીઓ અને નગરજનો

તા.૧૩/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતમાં તિરંગા યાત્રા યોજાઈ
ભારત માતા કી જય, આઝાદી અમર રહો જેવા દેશભક્તિના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જસદણ તેમજ આટકોટ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, એ.એસ.પી. ડૉ. નવિન ચક્રવર્તી સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં નગરજનો, શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા.
જસદણ શહેરનાં જુના બસ સ્ટેન્ડથી યાત્રા શરૂ થઈ હતી. આ તકે બસ સ્ટેન્ડ ચોક ખાતે મંત્રીશ્રી તેમજ મહાનુભાવશ્રીઓએ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્ય બજારમાં યાત્રા પહોંચી હતી. જ્યાં વેપારીઓ અને નગરજનોએ યાત્રાને પુષ્પવર્ષાથી વધાવી હતી.
આ તકે દેશભક્તિનાં ગીતો અને ભારત માતાકી જય, આઝાદી અમર રહો જેવા દેશભક્તિના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
મુખ્ય બજાર બાદ યાત્રા સરદાર ચોક ખાતે પહોંચી હતી. સરદાર ચોક ખાતે મંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત આટકોટ ખાતે જુના બસ સ્ટેશનથી સરદાર ચોક ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. ચોક ખાતે મંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
યાત્રામાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવના સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો.







