Rajkot: “Wonder: Sustaining What Sustains Us” થીમ અન્વયે ૮ જૂન – વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી

તા.૭/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : રિધ્ધિ ત્રિવેદી
સાહસથી સમૃદ્ધિ સુધીની સફર ખેડી નિકાસમાં અગ્રેસર રહેતો ગુજરાતનો દરિયા કિનારો
અંદાજે બે લાખ માછીમારો, ૨૬ હજાર બોટ્સ, ૧૦૭ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર અને ૭ લાખથી વધુ મરીન ઉત્પાદન ધરાવતું ગુજરાત રાજ્ય*l
સાગરમાલા યોજના, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મેન્ગ્રુવ સંરક્ષણ (મિષ્ટી પ્રોજેક્ટ), સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના, કોસ્ટલ કોમ્યુનિટી વિકાસ યોજના થકી લાખો લોકો મેળવે છે રોજગારી
દરિયાની અમાપ ગહનતા રૂપી શ્રી સૌમ્ય જોશી લિખિત
“કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને,
નાના એવા સપનાની રેતવાળી ઢગલી ને,
તોફાનો તરાપ મારે, હલેસાઓ હાંફી જાય,
તોય જેની હિંમત અને હામ નહિ હાંફે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી”
Rajkot: આ પંક્તિઓ વ્યક્તિને પોતાની અંદર રહેલી અમાપ શક્તિઓનું ભાન કરાવે છે. ચાલો તો આ વિશ્વ મહાસાગર દિવસે “Wonder: Sustaining What Sustains Us” થીમ સાથે આપણા અને મહાસાગરના સંબંધ વિશે જાણીએ.
પેસેફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગરો પૃથ્વી પર ૭૧ ટકા જળ વિસ્તાર ધરાવે છે. જે પૃથ્વીના વાતાવરણની સ્વચ્છતાની જાળવણી કરવાનું કામ કરે છે. આ તમામ મહાસાગરો પોતાની ઊંડાઈ, પહોળાઈ, ખનીજો, જળચર પ્રજાતિઓ, પાણીના રંગ, મહાદ્વીપો અને ટાપુઓ સહિતની બાબતો માટે અનોખી ઓળખ ધરાવે છે. પૃથ્વી પર સૌથી પહેલો સજીવ અમીબા પણ દરિયાના તળમાંથી ઉદ્દભવેલ છે. ભારત નજીક હિંદ મહાસાગર આવેલો છે. જેને પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં “રત્નાકર” નામથી ઓળખવામાં આવે છે. જેનું કારણ આ મહાસાગરમાંથી મળતા મોઝેનાઈટ, ઈલ્મેનાઈટ અને ક્રોમાઇટ સહિતના મિનરલ્સ છે.
ભારત દેશ અનેક દરિયાઈ બંદરો ધરાવતો દેશ છે જે ઐતિહાસીક, પૌરાણિક અને વૈશ્વિક રીતે જોડાયેલો છે. જેમાં સૌપ્રથમ અને સૌથી વધુ દરિયા કાંઠો ધરાવતું એટલે કે ૧૬૦૦ કિલોમીટર દરિયા કાંઠા સાથે ગુજરાત નિકાસમાં અગ્રેસર છે. ગુજરાતના દરિયાની ભૌગોલિક સાનુકૂળતાના લીધે માછીમારી, ટ્રાન્સપોર્ટેશન, મીઠું પકવવું, વિવિધ દરિયાઈ પેદાશો, નારિયેળી, ખનીજ પદાર્થો સહિતની સમૃધ્ધિ મેળવી તે અનેક લોકોનો આર્થિક આધાર બન્યો છે. જેમાં આપણે જાણીએ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ વિશે. જાફરાબાદ, સુરજબારી, સચાણા, સલાયા, મિયાણી, નવી બંદર, ચોરવાડ, માંગરોલબારા, ધામરેજ, નવાબંદર, રાજપરા, હિરાકોટ, કોસંબા, વાસી બોરસી, ઓન્જલ, મગોદ ડુંગરી, ઉમરગામ, ઉમરસાડી એમ કુલ મળીને ૧૮ માછીમારી બંદરોમાંથી ૧૩ પ્રદેશો સૌરાષ્ટ્ર ધરાવે છે. જેમાં જખૌ, પોરબંદર, માંગરોળ, વેરાવળ મુખ્ય માછીમારી બંદરો છે. અંદાજે બે લાખ માછીમારો, ૨૬ હજાર બોટ્સ, ૧૦૭ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર અને ૭ લાખથી વધુ મરીન ઉત્પાદન ગુજરાતના ફાળે જાય છે. માછીમારોને દરિયાઈ ખેડુ કહેવામાં આવે છે. ખારવાઓ અને વાઘેર લોકો દરિયા દેવને દરિયાલાલ કહીને સંબોધે છે. જ્યાં દરિયાકાંઠો હોય ત્યાં દરિયા દેવનું મંદિર અવશ્ય હોય છે. શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે દરિયા ખેડૂઓ માટે મહત્ત્વનો તહેવાર હોય છે, જેને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દરિયાખેડુઓ માટે દરિયો આજીવિકા હોવાથી આ દિવસે દરિયાની પૂજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરે છે. દરિયામાં આવતી ભરતી અને ઓટ ચંદ્રની ગતિ પરથી નક્કી થાય છે. જેનાથી ખારવાઓને માછીમારી કરવા દરિયામાં જવા અંગે અંદાજો આવે છે. માછીમારો દરિયાને ખેડવા જાય છે ત્યારે ૨૪ કલાક અથવા બે ત્રણ દિવસે પરત ફરે છે અને પોતાની બોટમાં લાઉડસ્પીકર રાખીને સંગીત વગાડે છે, જેનાથી સ્પંદનથી બુમલા અને મહેલી પ્રકારની માછલીઓ આકર્ષાઈને જાળમાં ફસાઈ જાય છે.
આ ઉપરાંત, તોફાની વાતાવરણમાં સાગરખેડુને દરિયામાં જતાં રોકવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એક થી પાંચ નંબરના ભયજનક સિગ્નલ આપવામાં આવે છે. અને સામાન્ય રીતે દરેક દરિયાઈ ખેડુ સિગ્નલની માહિતીથી વાકેફ હોય છે. આમાં રસપ્રદ વાત એ છે કે આવા સમયે જ્યારે માછીમારો દરિયામાં જતાં હોય છે કે દરિયામાં હોય છે ત્યારે તેઓને સાદો રેડિયો સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છની ખાડીમાં કચ્છેન્સીસ જીંગા પ્રકારની માછલી જે ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે જ જોવા મળે છે પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં પણ કચ્છેન્સીસ જીંગાના નામથી પ્રચલિત છે જે એકંદરે મોંઘી હોય છે. પાણીમાં કાટલા, રોહુ, મ્રિગલ, સોંઢીયા, લોબસ્ટર, પ્રોન, જવાલા, સ્ક્વીડ, રીબોન, ઘોલ, બોમ્બે ડક, ઇન્ડિયન સાલ્મન, પ્રોમ્ફેટ, કેટફીશ, મહેલી, બુમલા, શાર્ક, ડોલ્ફિન, શ્રીમ્પ, કરચલા, કાચબાઓ સહિતની પ્રજાતિઓ જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાંથી મૃદુકાય પ્રાણીઓ જેવાકે ઓઈસ્ટર, વિન્ડોપેન, શંખ અને કોડા-કોડી વગેરે પણ મળે છે.
આ ઉપરાંત, સરકાર દ્વારા દરિયા ખેડૂથી લઈ દરિયાઈ વિસ્તાર માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં સાગરમાલા યોજના થકી દરિયાકાંઠાના વિસ્તારોને સાંકળીને પરિવહન માટે માર્ગ વ્યવસ્થાઓ વિકસાવામાં આવી છે. જે અન્વયે સૌરાષ્ટ્રમાં ઓખાથી ભાવનગર સુધીનો રોડ વિકસાવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ મેન્ગૃવ ઈનીશીયેટીવ ફોર શોર લાઈન હેબિટેડ્સ એન્ડ ટેન્જીબલ ઇન્કમ(મિષ્ટી) એટલે કે ચેરના વૃક્ષો જે દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના, કોસ્ટલ કોમ્યુનિટી વિકાસ યોજના, ગાંધીનગર સ્થિત ગુજરાત મેરીટાઈમ યુનિવર્સીટી, મેરીટાઈમ બોર્ડ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવે છે. આમ સાહસથી સમૃદ્ધિ સુધીની સફર ખેડતો ગુજરાતનો દરિયા કિનારો લાખો લોકો માટે રોજગારીનો આધાર છે.




