‘હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે બનાસકાંઠામાં સાયકલ રેલીનું આયોજન કરાયું

1 સપ્ટેમ્બરે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બાલારામથી અંબાજી સુધી સાયક્લોથોન: ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ.”હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી” થીમ આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રી – દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સ્પર્ધાના ત્રીજા દિવસે બાલારામ થી અંબાજી ગબ્બર સુધી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે લીલીઝંડી આપીને સાયકલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
જન ભાગીદારી સાથે આયોજિત આ સાયકલ સ્પર્ધા બાલારામ મહાદેવ, ચિત્રાસણી થી લઈને અંબાજી ગબ્બર સુધી યોજાઈ હતી. જેમાં ભાદરવી પૂનમ મહા મેળા સંદર્ભે ધજા સાથે આ સાયકલ યાત્રા યોજાઈ હતી. આ સાયકલ રેલીમાં ‘સન્ડે ઓન સાયકલ’અભિયાન હેઠળ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, પોલીસ વિભાગના અધિકારીઓ અને જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રેલીનો ઉદ્દેશ્ય ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલ રેલી દ્વારા લોકોને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમો અપનાવવા અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ દસ વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૨૯ ઓગસ્ટે મહાન હોકી ખેલાડી શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાય છે. આ સ્પર્ધામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી કે.પી.ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ જોડાયા હતા.







