વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ જૂન : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત “Free Tree Plantation” તેમજ “તરુ પુત્ર, તરુ મિત્ર બને” તેવા સૂત્રોની સાથે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (GPYG) દ્વારા હરિયાળા કચ્છના સંકલ્પ સાથે હાલે કચ્છના ચાર તાલુકાઓમાં નિ:શુલ્ક વૃક્ષારોપણના એક ઉમદા કાર્યક્રમ ની શરૂઆત કરી છે. આ અભિયાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારુ છે, જે પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં ધાર્મિક સંસ્થા ગાયત્રી શક્તિપીઠ-ભુજની એક આગવી પહેલ છે. વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત સમગ્ર કચ્છના ગામો, શહેરોની અલગ અલગ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો વગેરે પર જઈ નિ:શુલ્ક વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે. જેમાં પર્યાવરણને ફાયદાકારક જાત જાતના છોડવાઓનુ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્થાને જઇ વાવેતર કરાઇ રહ્યુ છે. છોડને વાવ્યા પછી તેને પાણી તેમજ સુરક્ષા આપી જાળવી રાખવાની જવાબદારી આસપાસ રહેતા લોકોને નિભાવવા માટે પણ GPYG અપીલ કરી રહ્યુ છે. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને બચાવવાના આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ- કચ્છના સંયોજક વિષ્ણુભાઈ જોષી તેમજ ભુજ તાલુકામાં હર્ષલભાઇ જોષી કાર્ય કરી રહ્યા છે અને એમના આ ઉમદા કાર્યમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છની ટીમ વતીથી કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ માધ્યમિક ગ્રાન્ટેડ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણીએ આ શ્રમ યજ્ઞમાં સહભાગી બની ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ- કચ્છની પર્યાવરણ વિષયક સુંદર કામગીરીને બિરદાવી હતી.