GUJARATKUTCHLAKHPAT

જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાના મઢ મંદિરમાં ગંધાષ્ટકની ભેટ આપવા આવી.

નવરાત્રિના પવિત્ર દિવસોમાં નવદુર્ગા સ્વરૂપને અષ્ટ ગંધાષ્ટક અર્પણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.

ગંધાષ્ટક માટે સાગમાંથી વિશિષ્ટ પ્રકારનું બોક્સ બનાવાયુ

લખપત,તા-૦૭ ઓક્ટોબર : તા. ૩ જી ઓક્ટોબરથી આધશકિત મા જગ દંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. શકિત ભક્તિના આ સૌથી મોટા મહોત્સવમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ શકિત મંદિરોમાં અષ્ટગંધાષ્ટક અત્તર અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે જયભોલે ગ્રુપના સદસ્યો દ્વારા કચ્છ દેશદેવી માં આશાપુરા મંદિર ખાતે મંદિરના પૂજારીને શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરેલ અષ્ટગંધાષ્ટક પાવન પર્વ નવરાત્રિના ચોથા નોરતે અર્પણ કરવામાં આવ્યું.

પ્રથમ નવરાત્રિ નિમિત્તે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન કરી અંબાજી સહિતના રાજ્યના અન્ય પ્રમુખ શક્તિ મંદિરોમાં અષ્ટગંધાષ્ટક અર્પણ કરવાના આયોજન અંતર્ગત ચોથા નોરતે માતાના મઢ ખાતે અષ્ટગંધાષ્ટક જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સહિત દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા આરાસુરી અંબાજી મંદિર, શ્રી ઉમિયા મંદિર – ઉંઝા, શ્રી ભદ્રકાલી મંદિર – કર્ણાવતી, શ્રી અંબાજી મંદિર – માધુપુરા, શ્રી મહાકાલી મંદિર – પાવાગઢ, શ્રી બહુચર મંદિર – બહુચરાજી, શ્રી આશાપુરા માતાજી – કચ્છ, શ્રી ચામુંડા મંદિર – ચોટીલા, શ્રી ખોડિયારમા મંદિર – ભાવનગર અને શ્રી વરદાયિની માતા મંદિર – રૂપાલ ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી નવરાત્રિના પવિત્ર દિવસોમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અષ્ઠ સુગંધિત દ્રવ્યોમાંથી નિર્મિત ગંધાષ્ટક અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સાગના લાકડામાંથી ખાસ બોક્સ બનાવવામાં આવ્યું છે. જેમાં આઠ પ્રકારના અત્તરની બોટલોને રાખવામાં આવી છે તેમજ દરેક બોક્સ પર ગંધાષ્ટક શ્લોક લખવામાં આવ્યો છે. આ શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરેલ અષ્ટગંધાષ્ટક પાવન પર્વ નવરાત્રિના ચોથા નોરતે અર્પણ કરવામાં આવ્યું હતું.

જય ભોલે ગ્રુપ અમદાવાદના દિપેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી વિદ્યામાં ગંધાષ્ટકમનું વર્ણન મળે છે, જેમાં વર્ણવેલા આઠ પ્રકાર પ્રમાણે આઠ ગંધ એટલે કે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, અને ઉશિર અને કુઠ નામની સુગંધ જગદંબાને અતિપ્રિય છે. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે નવદુર્ગા સ્વરૂપને અષ્ટ ગંધાષ્ટક અર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. માતાજી ને પ્રસન્ન થાય અને નવરાત્રિમાં મા નવદુર્ગાના આશીર્વાદ સૌ માઇભકતોને મળે એ જ આશયથી આ અત્તર અર્પણ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિના નવે દિવસ અલગ અલગ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ ગંધાષ્ટક અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે આશાપુરા માતાજી માતાના મઢ ખાતે અર્પણ કરવામાં આવ્યું છે. માતાના મઢ મંદિરના ટ્રસ્ટીશ્રી પ્રવિણસિંહ વાઢેર સહિત અન્ય ટ્રસ્ટીઓ અષ્ટગંધાષ્ટકનો મંદિર વતી સ્વીકાર કર્યો હતો. દરમિયાન જય ભોલે ગ્રુપના દિપેશ પટેલ, દિપક પટેલ, જય પટેલ, મેહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!