
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રતાડીયા-ગુંદાલા-ભલોટ માર્ગ માટે સરકારની ૧૫ કરોડની તાંત્રિક મંજૂરી : જલારામ સખી મંડળની રજૂઆત રંગ લાવી
રતાડીયા, તા. 31:
કચ્છના મુંદરા તાલુકાના છેવાડાના ગામો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક દાયકાથી બિસ્માર હાલતમાં રહેલા અને ‘મૃત્યુનો માર્ગ’ ગણાતા રતાડીયા-ગુંદાલા-ભલોટ રોડના નવીનીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા રૂા. ૧૪.૯૮ કરોડ (અંદાજે ૧૫ કરોડ) ની માતબર રકમને તાંત્રિક મંજૂરી આપી દેવામાં આવી છે. રતાડીયાના જલારામ સખી મંડળ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી કરવામાં આવેલી ધારદાર રજૂઆતના માત્ર બે જ મહિનામાં સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય લેવામાં આવતા બહેન – દીકરીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં રતાડીયા ગામની દીકરીઓ અને સખી મંડળની બહેનોએ આ રોડની ખરાબ હાલતને કારણે શિક્ષણ અને પરિવહનમાં પડતી મુશ્કેલીઓ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. આ રસ્તા પર ટુ-વ્હીલર ચલાવવું પણ જોખમી બન્યું હતું અને એસ.ટી. બસ સુવિધા ખોરવાતા વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ગંભીર પ્રશ્ને બહેનોએ પ્રધાનમંત્રીને ‘મોટાભાઈ’ તરીકે સંબોધીને ભાવુક અપીલ કરી હતી જેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ આ રસ્તાના રીસરફેસીંગ કામ માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તાંત્રિક મંજૂરીના આદેશો જારી કર્યા છે.
આ મંજૂરી મળતા હવે ગુંદાલા થી ભલોટની વચ્ચે આવતા રતાડીયા, કુંદરોડી, બગડા, ફાચરીયા અને વાઘુરા જેવા તમામ ગામોને નવો અને સુવિધાજનક રસ્તો મળશે. અંદાજે ૨૮ કિલોમીટર લાંબો આ માર્ગ બનવાથી આ વિસ્તારના હજારો લોકોનું પરિવહન સરળ બનશે અને ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણના દ્વાર ફરી સુગમ થશે.
જલારામ સખી મંડળ અને સમસ્ત ગ્રામજનોએ આ સંવેદનશીલ નિર્ણય બદલ ગુજરાત સરકાર અને માર્ગ-મકાન વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. જોકે રસ્તાની હાલત અત્યંત જર્જરિત હોવાથી અને ચોમાસું નજીક આવતું હોવાથી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે સ્થળ પર કામ શરૂ કરવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે જેથી આગામી સમયમાં કોઈ અકસ્માત ન સર્જાય અને લોકોને કાયમી સુવિધા મળી રહે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




