GUJARATKUTCHMANDAVI

કચ્છમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મરામતનું કાર્ય શરૂ.

વાહન વ્યવહાર પૂર્વવત કરવા ૨૪ કલાકમાં ૩૩ રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા : પૂરજોશમાં કામગીરી કરતા કર્મયોગીઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

બાકીના તમામ રસ્તાઓ પરથી પાણી ઓસરતા કામગીરી શરૂ કરાશે.

કોઈપણ ગામ સંપર્ક વિહોણું ના રહે તે માટે વૈકલ્પિક રસ્તાઓ ખોલવાને પ્રાથમિકતા.

માંડવી,તા-૩૧ ઓગસ્ટ : ભારે વરસાદથી બિસ્માર બનેલા કચ્છના માર્ગોનું પુરજોશમાં મરામત કાર્ય કરવામાં આવી રહ્યું છે, માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તા, રોડ, પુલ, પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.વરસાદી આફતથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓથી લોકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી ના પડે તે માટે વરસાદના વિરામ સાથે જ જિલ્લાના શહેર તથા ગામના જુદા જુદા રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે. જેસીબી અને રોલિંગ મશીન દ્વારા રસ્તાઓને સમથળ કરવામાં પણ આવી રહ્યા છે. મેટલીંગ કરીને પેચવર્ક કરીને વારાફરતી તમામ રસ્તાઓને પુર્વવત કરવાની નેમ સાથે કામગીરી ચાલી રહી છે.કચ્છમાં નખત્રાણા બસ સ્ટેન્ડ, મુંદરા –ધ્રબ- ઝરપરા-કાંડાગરા રોડ, નાડાપા- હબાય રોડ, સાંધ્રો વાંઢ એપ્રોચ રોડ, વર્માનગર મુડીયા બુધ્ધા રોડ, કેરા ગામ, દેશલપર નલીયા રોડ, ભુજપુર-ગેલડા રોડ, અંજાર-ઝરૂ રોડ, દેવપર કોટડા, દેવપર-ગઢશીશા સહિતના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે અને નાગરિકોને કોઇપણ અગવડ ન પડે તે માટે વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે સતત ચાલી રહી છે.આ અંગે માર્ગ અને મકાન રાજ્યના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલાએ જણાવ્યું હતું કે, કચ્છમાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના કુલ ૨૫ રસ્તાઓ બંધ થયેલા, તેમાંથી ૦૯ રસ્તાઓ તત્કાલ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના હસ્તકના ૭૬ રસ્તાઓ બંધ થયેલા તેમાંથી ૨૪ રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે નેશનલ હાઇવે વિભાગ હસ્તકનો એક રસ્તો બંધ છે. આમ,બાકીના તમામ રસ્તાઓ પર પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.તમામ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને નાળા પુલીયામાં જરૂરી મેટલીંગ કામ, મેટલપેચની કામગીરી, નાળા-પુલિયા પર પાઈપો વગેરે નાખી તેમજ રસ્તા પરના વૃક્ષો હટાવી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!