અહેવાલ : બિમલ માંકડ, પ્રતીક જોશી
ભુજ, મંગળવાર:
આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને “ડિસ્ટ્રીક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ” બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. “ડિસ્ટ્રીક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ”ના સભ્ય સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ તમામ અધિકારીશ્રીઓને બેઠકમાં આવકારીને સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું, ટાસ્ક ફોર્સની કામગીરી, સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ, ટાસ્ફ ફોર્સ દ્વારા લેવાયેલા પગલાઓ અને વિભાગવાઈઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી. “ડિસ્ટ્રીક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ”ના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વિભાગ વાઈઝ અધિકારીઓ પાસેથી ટાસ્ફ ફોર્સ અંતર્ગત સોંપવામાં આવેલી જવાબદારીનો એક્શન ટેકન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ટાસ્ફ ફોર્સના અધ્યક્ષના હોદાની રૂએ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સભ્યોને લોકજાગૃતિના મહત્તમ પ્રયત્નો હાથ ધરવા, સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, બેઠકમાં હીટવેવથી લોકો તેમજ પશુઓને બચાવવા મનરેગા સાઈટ અને બાંધકામ સ્થળોએ હીટવેવ સામેના રક્ષણની વ્યવસ્થાઓ, જાહેરસ્થળોએ તેમજ પ્રવાસન સ્થળોએ દવાઓ, છાંયડાની વ્યવસ્થા વગેરે બાબતોની ઝીણવટીભરી ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ હીટવેવ એડવાઈઝરીને અનુલક્ષીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી જવાદારીઓ વિશે કલેક્ટરને અવગત કરાવ્યા હતા. આ બેઠકમાં જાહેરજનતાને હીટવેવની પ્રારંભિક ચેતવણી પહોંચાડવી, જાનહાની ટાળવા માટે ગ્રામ્ય સ્તર સુધીના સુદઢ આયોજન કરવા, વોઈસ મેસેજના માધ્યમથી લોકોને હીટવેવ બાબતે કાળજી રાખવા અપીલ કરવી, મીડિયા મારફતે અદ્યતન સૂચનાઓ લોકો સુધી પહોંચાડવી, અગરીયાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવી, બાળકોના રક્ષણ માટે આંગણવાડી અને શાળાઓમાં યોગ્ય કાર્યવાહી કરવા, બપોરના સમયે બાંધકામ સાઈટ ઉપર કામગીરી અટકાવી શ્રમિકોને વેતન કપાત ન કરવું, હીટ વેવના લક્ષણો અને સારવાર તેમજ હીટવેવ દરમિયાન શું કરવું અને શું ના કરવું, પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા વગેરે બાબતો અંગે કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ સંબંધિત અધિકારીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ના અધિક્ષક ઈજનેર વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના અધિક્ષક ઈજનેર એમ.જે.ઠાકોર, અધિક્ષક ઈજનેર પાણી પુરવઠા વિભાગ, જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મી, જિલ્લા શ્રમ અધિકારી ચિંતન ભટ્ટ, નાયબ પશુપાલન નિયામક હરેશ ઠક્કર, નાયબ વન સંરક્ષક પશ્ચિમ યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત વિજયા પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. કશ્યપ બૂચ, સહાયક બાગાયત અધિકારી મયંક વ્યાસ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા