DAHODGUJARAT

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા લોકોમોટિવ રેલવેના કારખાનામાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે લોકલ રોજગાર સમિતિ દ્વારા સિમેન્સ કંપનીના HR હેડને રિઝ્યુમ સાથે અરજી આપવામાં આવી

તા.૦૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા લોકોમોટિવ રેલવેના કારખાનામાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે લોકલ રોજગાર સમિતિ દ્વારા સિમેન્સ કંપનીના HR હેડને રિઝ્યુમ સાથે અરજી આપવામાં આવી છે

દાહોદના પરેલ વિસ્તારમાં ₹20,000 કરોડના ખર્ચે 9000 HP લોકોમોટિવ કારખાનું સ્થાપિત થયું છે. આ કારખાનાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2022 માં કરવામાં આવ્યું હતું, ત્યારે તેમણે સ્થાનિક જિલ્લાના બેરોજગાર લોકોને આ કારખાનામાં રોજગાર મળશે તેવી બાંહેધરી આપી હતી. 26 મે, 2025 ના રોજ, નવનિર્મિત રેલવેના કારખાનાનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે થયું, ત્યારે પણ તેમણે જિલ્લાના લોકોને રોજગારી આપવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું.જોકે, સિમેન્સ કંપની દ્વારા હજુ સુધી કોઈપણ જિલ્લાના બેરોજગાર વ્યક્તિને નોકરી પર રાખવામાં આવ્યો નથી. આને કારણે દાહોદ જિલ્લાના બેરોજગાર લોકો દ્વારા “લોકલ રોજગાર સમિતિ” બનાવવામાં આવી હતી, અને છેલ્લા ઘણા સમયથી નોકરી આપવા માટેની લડત ચાલી રહી હતી. હાલમાં, દાહોદમાંથી “D9 મેડ ઇન દાહોદ” ના રેલવે એન્જિન બનીને તૈયાર થઈ રહ્યા છે, અને આ સમગ્ર કારખાનાનો કોન્ટ્રાક્ટ સિમેન્સ કંપનીને આપવામાં આવ્યો છે.લોકલ બેરોજગાર સમિતિ દ્વારા આ કારખાનામાં બેરોજગારોને નોકરી પાવવાની લડત વધુ તેજ બની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ મુજબ, આજે સિમેન્સ રેલવેના કારખાના ખાતે મોટી સંખ્યામાં બેરોજગાર યુવક-યુવતીઓ પોતાના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો, રિઝ્યુમ અને બાયોડેટા લઈને એકઠા થયા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કારખાનાની બહાર મોટો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો.કારખાનાની બહાર એકઠા થયેલા બેરોજગાર યુવક-યુવતીઓ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. સિમેન્સ કંપનીના HR હેડ કારખાનાની બહાર આવ્યા હતા અને તેમણે દરેક બેરોજગારોના દસ્તાવેજો સ્વીકારીને ભરોસો આપ્યો હતો કે જો આ કારખાનામાં જરૂરિયાત હશે અથવા કંપની દ્વારા જે પ્રમાણે વેકેન્સી બહાર પાડવામાં આવશે, તે પ્રમાણે આ યુવક-યુવતીઓને પ્રથમ પસંદગી આપીને નોકરી આપવામાં આવશે સિમેન્સ કંપની દ્વારા આ બાંહેધરી આપવામાં આવી હોવા છતાં, આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, “અમે બેરોજગારોના દસ્તાવેજો સુપ્રત કરી દીધા છે અને તેમ છતાંય જો એવું બને કે નોકરી આપવામાં ન આવે, તો આગળના સમયમાં અમે લડત આપવા માટે તૈયાર છીએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દાહોદ જિલ્લામાંથી બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટે અમારી બેરોજગાર લડત સમિતિ થકી અમે લડત આપતા રહીશું અને બેરોજગારોને નોકરી અપાવીશું.” હવે જોવું રહ્યું કે બેરોજગારોએ સિમેન્સ કંપનીમાં નોકરી મેળવવા માટે પોતાના બાયોડેટા HR ડિપાર્ટમેન્ટને આપી દીધા છે તે પ્રમાણે કેટલા લોકોને નોકરી મળશે અને વડાપ્રધાન દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ દાહોદ જિલ્લાના 10 હજાર બેરોજગાર લોકોને સિમેન્સ કંપનીમાં નોકરી આપવામાં આવશે કે નહીં, તેના ઉપર સૌ કોઈની નજર છે

Back to top button
error: Content is protected !!