Rajkot: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે નં-૨૭ પરનાં વરસાદી ગાબડાનું દિવસ-રાત ચાલતું રિપેરિંગ
તા.૧૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
૧૦ ટીમો, ૪૦ એન્જિનિયર-સુપરવાઈઝર, ૧૦૦ જેટલા શ્રમિકો દ્વારા ચાલતી સઘન કામગીરી
ફોરલેન હાઈવે, સર્વિસ રોડ, ડાયવર્ઝન માર્ગના બે-બે કિ.મી.ના પટ્ટામાં આયોજનબદ્ધ પેચવર્ક
Rajkot: રાજકોટ જિલ્લામાંથી પસાર થતાં રાજકોટ-ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે નંબર-૨૭ પર વરસાદના લીધે પડેલા નાના ખાડા-ગાબડાં તેમજ ક્ષતિગ્રસ્ત બનેલા સર્વિસ રોડની મરામત દિવસ-રાત પૂરજોશમાં ચાલી રહી છે. ક્ષતિગ્રસ્ત માર્ગોને એકાદ સપ્તાહમાં સમથળ કરી દેવા હાલ વિવિધ ૧૦ ટીમો દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ, ભારતમાલા પરિયોજના હેઠળ રાજકોટ-ગોંડલ-જેતપુર વચ્ચે ૬૫ કિલોમીટરના નેશનલ હાઈવે નંબર-૨૭ને હાલ ફોર લેનમાંથી સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે હાઈવેના કેટલાક હિસ્સામાં નાના ખાડા પડી ગયા છે તેમજ સર્વિસ રોડ ક્ષતિગ્રસ્ત થયો છે.
તેમના જણાવ્યા પ્રમાણે, નવા બનાવાયેલા ૨૧.૫૦ કિલોમીટર સિક્સ લેન હાઈવેને વરસાદથી કોઈ નુકસાન પહોંચ્યું નથી. જ્યારે હાલના ૨૮.૪૦ કિ.મી.ના ફોર લેન મુખ્ય હાઈવે પર ૧૭૦૦ મીટર વિસ્તાર વરસાદથી અંશતઃ ડેમેજ થયેલો છે. જેનું રિપેરિંગ પૂરજોશમાં થઈ રહ્યું છે અને ૧૮મી જુલાઈ સુધીમાં સમારકામ પૂર્ણ કરી દેવાની તૈયારીઓ છે.
નેશનલ હાઈવે પર હાલ ૨૧.૨૦ કિ.મી. લાંબો સર્વિસ રોડ છે. જેમાં ૩૧૦૦ મીટર હિસ્સો વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયો છે. ખાસ કરીને રાજકોટ બાયપાસ આસપાસ મોટાભાગે ક્ષતિ જોવા મળી છે. જેની સઘન મરામત શરૂ છે અને ૨૫મી જુલાઈ સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાનું આયોજન છે.
આ ઉપરાંત હાઈવે પર અન્ય ડાઈવર્ઝન તથા સર્વિસ રોડ ૧૫.૬ કિ.મી. જેટલા છે. જેમાં ૧૫૦૦ મીટર જેટલા ભાગ પર વરસાદથી નાના ખાડા પડી ગયા છે. જેને પણ બે દિવસમાં પૂરી દેવા માટે વિવિધ ટીમો કામ કરી રહી છે.
ટ્રાફિકને વધુ સુગમ બનાવવા હાઈવે પર પ્રસ્તાવિત દોઢ કિલોમીટરના ડાઈવર્ઝન રોડ/ સર્વિસ રોડને સાત મીટર સુધી પહોળો કરવાનું આયોજન છે. જો વરસાદનું વિઘ્ન ના નડ્યું અને હવામાન સુકું રહ્યું તો, આ માર્ગને ૩૧મી જુલાઈ સુધીમાં પહોળો કરી દેવામાં આવશે.
તેમના જણાવ્યા પ્રમાણે, હાઈવે પરના નાના ખાડા કે સર્વિસ રોડની મરામત માટે હાલમાં વિવિધ ૧૦ ટીમો આયોજનબદ્ધ કામ કરી રહી છે. જેમાં ૪૦ જેટલા એન્જિનિયર-સુપરવાઈઝર, ૧૦૦ જેટલા શ્રમિકો ખડેપગે કામગીરી કરી રહ્યા છે. હાઈવેના બે-બે કિ.મી.ના ભાગ કરીને રિપેરિંગની કામગીરી સુ-વ્યવસ્થિત રીતે થઈ રહી છે. આ સમગ્ર કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા ૧૦ જેટલા જે.સી.બી., ૦૫ પેવિંગ મશીન, ૧૦ રોલર તથા ૧૦થી વધુ ડમ્પરો સતત દોડાવવામાં આવી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં હાઈવેની મરામત થઈ જશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.