બોપલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિ રહી હતી. ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના પર્યાવરણ સંરક્ષણ અભિયાન હેઠળ ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનને નાગરિક ધર્મની પ્રથમ ફરજ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે માનવ જીવન પ્રકૃતિ પર આધારિત છે અને પ્રકૃતિ પાસેથી આપણે સતત ઘણું લઈએ છીએ, પરંતુ હવે તેને આપતાં પણ શીખવાની જરૂર છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ જેવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી મોઢવાડિયાએ આજના સમયમાં વધતા પ્રદૂષણ અને પર્યાવરણ જાગૃતિના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રોજેરોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ સંબંધિત આવતાં અહેવાલોનું ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ ચેતવણીરૂપ સંકેતો છે, જેને ગંભીરતાથી લેવાની જરૂર છે. પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે સરકાર સાથે સાથે નાગરિકોની સક્રિય ભાગીદારી પણ અનિવાર્ય છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણીને પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી સાથે જોડીને ઉજવી હતી. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, બેંકના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા બોપલ-આંબલી વૃદ્ધાશ્રમને સહાય પૂરી પાડવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા અભિયાન, વોકેથોન અને જાગૃતિસભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અને સામાજિક જાગૃતિ વિષયક ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બેંકના ઝોનલ હેડ એસ.કે. સરકાર, અમદાવાદના રિજનલ હેડ ગૌરવ કુમાર જૈન, ધ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલના યોગેશ શ્રીધર અને તેજસ શ્રીધર સહિત શાળા અને બેંકના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.




