હાલોલ: સુપ્રસિધ્ધ નારાયણધામ તાજપુરા ખાતે દેવ દિવાળી ના રોજ અન્નકૂટના દર્શન યોજાશે,મોટી સંખ્યામાં નારાયણ ભક્તો દર્શનાર્થે ઉમટશે
હાલોલ તાલુકાના નારાયણધામ તાજપુરા ખાતે આવતીકાલે 15 નવેમ્બરને શુક્રવારના રોજ દેવ દિવાળી પર્વ ને લઇ અન્નકૂટ દર્શન યોજાવનાર છે.જેની તડામાર તૈયારીઓ શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે.જેનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૧૧.૨૦૨૪
હાલોલ તાલુકાના નારાયણધામ તાજપુરા ખાતે આવતીકાલે 15 નવેમ્બરને શુક્રવારના રોજ દેવ દિવાળી પર્વ ને લઇ અન્નકૂટ દર્શન યોજાવનાર છે.જેની તડામાર તૈયારીઓ શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે.જેનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.કારતકી પૂનમ ને દેવ દિવાળી ના રોજ પ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરા ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન નો વિશેષ મહિમા હોય છે.જેને લઇ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુના ભક્તો લાખો ની સંખ્યામાં અન્નકૂટના દર્શન નો લાહવો લેવા દેવ દિવાળીએ તાજપુરા ઉમટી પડે છે.દેવ દિવાળી ના પવન પર્વ દિને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ ના ઉપક્રમે મંદિર ખાતે તેમજ બ્રહ્મલીન બાપુજીની ગુફા ખાતે છપ્પનભોગની મીઠાઈઓ તેમજ વિવિધ ફરસાણ તેમજ અન્ય પકવાન આમ કુલ મળી ૧૫૧, ઉપરાંત વાનગીઓ નો અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવનાર છે.જેનો ભક્તો દર્શનનો લ્હાવો લેશે. હાલમાં તાજપુરા ખાતે આ મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી પૂરજોશમાં ચાલી રહી છે.દેવ દિવાળી એ અન્નકૂટ દર્શન ભક્તો માટે સવારે ૬.૦૦ કલાક થી બપોરે ૧.૦૦ કલાક દરમ્યાન ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.આ દરમ્યાન સવારે ૧૦ થી ૧૧ કલાકે પ્રાર્થના સભા પણ થશે. તાજપુરા મંદિર ખાતે અન્નકૂટ માં ધરાવવા માટે ૫૧ જાતની જુદી જુદી મીઠાઈનો ૧૮૦૦ લીટર દૂધમાં થી તૈયાર કરવામાં આવેલા માવાની ૧૪૦૦ કિલો મીઠાઈ તેમજ વિવિધ ફરસાણ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત અન્નકૂટ માટે જરૂરી શાકભાજી, ડ્રાયફુટ, ફ્રુટ વગેરે લાવવામાં આવી રહ્યા છે. જ્યારે અન્નકૂટ દર્શન બાદ ભક્તો માટે મંદિરના (આમ્રકુંજ ) આંબાવાડિયા ખાતે સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.મહાપ્રસાદી માટે ૮૦૦ કિલો બુંદી તેમજ ૫૦૦ કિલો ગાઠીયા બનાવવાની કામગીરી કાર્યરત છે.આ ઉપરાંત મહાપ્રસાદી ના દિવસે ૮૦ થી ૧૦૦ મણ આશરે ચોખાનો ભાત ૪૦ મણ દાળ ૮૦ મણ શાક ૨૫ મણ ચણા મહાપ્રસાદ માટે બનાવવામાં આવનાર હોવાનું જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.










