ડેડીયાપાડામાં 144 લાગુ ચૈતર વસાવાની જામીન અરજી રદ, વડોદરા જેલ ખસેડાયા.પોલીસે માગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/07/2025 – નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક રાજકીય ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે લાફા કાંડ મામલે ધરપકડ કરાયેલા AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નર્મદા પોલીસે માગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે. સાથે જ વસાવાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. બીજી બાજુ કોર્ટ બહાર પોલીસ સાથે ઘર્ષણ થતા તેમજ વકીલોએ કોર્ટમાં અંદર જવા મુદ્દે હોબાળો કરતા ડેડીયાપાડાના SDM અને DYSPએ ડેડીયાપાડામાં 144 લાગુ કર્યાની જાહેરાત કરી છે. પરિસ્થિતિને જોતા ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યાં છે.
ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશી ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશી
હવે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે
ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશીએ જણાવ્યું, “પોલીસે 5 દિવસના રિમાન્ડની અરજી કરી હતી. જેની સામે અમે દલીલ હતી આ કેસમાં રિમાન્ડની જરૂર નથી. આ એક આ રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી અરજી છે. દલીલને કોર્ટે માન્ય રાખીને પોલીસની 5 દિવસની રિમાન્ડ અરજી ફગાવી દીધી છે. ત્યારબાદ અમારા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. પોલીસે FIRમાં જાણી જોઈને કલમ 307 ઉપરાંત નવી કલમ 109 લગાડી છે જેમાં 10 વર્ષની કેદની સજા છે. એ કલમ પણ અમે રદ્દ કરાવી છે. હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે અને અમારે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના છે.”
કોર્ટ બહાર ગોપાલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી
આ દરમિયાન LCB કચેરી ખાતે ચૈતર વસાવાના વકીલ તરીકે પહોંચેલા ગોપાલ ઇટાલિયાને તેમની સાથે મુલાકાત કરવાની મંજૂરી ન મળતાં વિવાદ સર્જાયો હતો. પોલીસે મુલાકાતની પરવાનગી ન આપતાં કોર્ટ બહાર ઇટાલિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ભાજપના નેતાઓને છાવરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બળાત્કારની FIR છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે આરોપ મૂક્યો કે ભાજપના નેતાઓ માટે અલગ અને આમ આદમી પાર્ટીના નેતાઓ માટે અલગ કાયદો લાગુ કરવામાં આવી રહ્યો છે.