
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – લીલછા–મૂડી માર્ગ પર મઉ સબ સ્ટેશન નજીક વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા યુવક પર દીપડાનો હુમલો..!!! ફોરેસ્ટ વિભાગ દોડતું થયું , કેટલીક વાર અધિકારીઓ ઓફિસે જોવા જ નથી મળતા..?
ભિલોડા તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. લીલછા–મૂડી માર્ગ પર મઉ સબ સ્ટેશન નજીક આજે વહેલી સવારે કુદરતી હાજતે જઈ રહેલા યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.મળતી માહિતી અનુસાર મેહેરૂ ગામ (ભેટાલી નજીક) ના રહેવાસી પિન્ટુભાઈ ધનજીભાઈ ઉમર સવારે સૌચક્રિયા માટે બહાર ગયા હતા, તે દરમિયાન ઝાડઝાંખરમાંથી દીપડો બહાર આવી ગયો અને તેમના પર તૂટી પડ્યો. અચાનક થયેલા હુમલા છતાં પિન્ટુભાઈએ હિંમત દાખવી દીપડાનો સામનો કર્યો અને પોતાની જાતનો બચાવ કર્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.દીપડાના હુમલામાં પિન્ટુભાઈને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પુરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળ આસપાસ પાંજરું મૂકવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવામળ્યુંછે.ઉલ્લેખનીય છે કે ભિલોડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. છતાં વન વિભાગની કામગીરી સામે જાગૃત નાગરિકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ અધિકારીઓની હાજરી અને કાર્યવાહી પૂરતી અસરકારક નથી, જેના કારણે આવા બનાવો ફરી ફરી બનતા રહે છે.દીપડાના વધતા આતંકને પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને વન વિભાગ દ્વારા તાત્કાલિક તથા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.




