
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માધાપર જખમંદિર ખાતે ૧૫૮મો પાટોત્સવ અને પ્રજાસત્તાક પર્વ ઉજવાયો : CISF ના ૯૦ સાયકલવીરોનું ભવ્ય સન્માન
મુંદરા,તા.૨૭: શ્રી માધાપર જખ બાઁતેરા સંધ સંચાલિત જખમંદિરના પ્રાંગણે આજે મહા સુદ આઠમ અને પ્રજાસત્તાક દિનના શુભ અવસરે ત્રિવેણી સંગમ જેવો માહોલ સર્જાયો હતો. ૧૫૮ વર્ષ જૂના ઐતિહાસિક મંદિરના નુતનીકરણની ૧૩મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજા મહોત્સવ અને હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ તેમજ બહારગામથી પધારેલા દાતા પરિવારો, સંસ્થાના ટ્રસ્ટીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઉત્સવ અત્યંત ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો.
૨૬ જાન્યુઆરીના ગોજારા ભૂકંપને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોઈ, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મંદિર પરિસરમાં ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જખદાદાને કચ્છ, ગુજરાત અને ભારત દેશ વધુ સમૃદ્ધ બને તેવી આજીજી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ‘વંદે માતરમ્ CISF કોસ્ટલ સાયકલોથોન ૨૦૨૬’ ના માધ્યમથી લખપત થી કોચી સુધીની ૩૫૦૦ કિ.મી.ની સાહસિક યાત્રાએ નીકળેલા ૯૦ સાયકલવીરો (૩૫ યુવતીઓ અને ૫૫ યુવકો) નું જખમંદિર ખાતે ભવ્ય સન્માન કરાયું હતું. આ સાયકલવીરો માટે બે દિવસનો ઉતારો અને ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં CISF ગુજરાતના સીનીયર કમાન્ડર શ્રી હરેન્દ્રર નારાણજી, ડેપ્યુટી કમાન્ડર શ્રી સમસેરજી, આસીસડન્ટ કમાન્ડર શ્રી એ.કે. પાંડેજી, શ્રી પ્રવીણજી, અને શ્રી નાગેન્દ્રકુમાર સહિતની ટીમનું સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહ, શ્રી ચીમનભાઈ ગમારા, સેક્રેટરી ડૉ. હસમુખભાઈ શાહ અને શ્રી વિનોદભાઈ નંદુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. CISF ના અધિકારીઓએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી ટ્રસ્ટીગણનો આભાર માન્યો હતો.
ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ અને શ્વાનોને રોટલાની સેવાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવામાં આવે છે. કોઈપણ જ્ઞાતિ માટે નિઃશુલ્ક સાદડી હોલ, ‘જખદાદા લગ્ન આશીષ યોજના’ હેઠળ દીકરીઓના વિનામૂલ્યે લગ્ન અને શ્રદ્ધાળુઓ માટે રાહતદરે ભોજનશાળા જેવી પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારની બહેનો શ્રીમતી વિજયાબેન ગમારા, શ્રીમતી અંજુબેન શાહ, શ્રીમતી પ્રભાબેન, શ્રીમતી આરૂપીબેન શાહ તેમજ શ્રી મીત શાહ, શ્રી કરણ ગમારા, સંસ્થાના મેનેજર શ્રી પ્રવીણભાઈ સોની અને શ્રી હિતેશભાઈ ગજજર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




