આણંદ ખોરાકમાં ભેળસેળ કરનાર સામે છેલ્લા ૧૦ માસમાં ૨૦ જેટલી હોટલ-રેસ્ટોરન્ટ એકમો પાસેથી ૨૦.૩૪ લાખનો દંડ વસુલાયો.

આણંદ ખોરાકમાં ભેળસેળ કરનાર સામે છેલ્લા ૧૦ માસમાં ૨૦ જેટલી હોટલ-રેસ્ટોરન્ટ એકમો પાસેથી ૨૦.૩૪ લાખનો દંડ વસુલાયો.
તાહિર મેમણ – આણંદ – 02/11/2025 – આણંદ – કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિસ્તારના નાગરિકોની જાહેર સુખાકારી જળવાય અને ખોરાકમાં ભેળસેળ તથા સ્વચ્છતાના માપદંડોનું તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનદારો ચોકસાઈથી પાલન કરે તે માટે સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો સહિતના ખાણીપીણીના એકમોની આકસ્મિક તપાસણી કરવામાં આવી રહી છે.
રાજય સરકાર દ્વારા નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યમાં વસતા પ્રત્યેક નાગરિકની જાહેર સુખાકારી માટે સંનિષ્ઠતા સાથે કાર્ય કરવામાં આવી રહયું છે. સરકારના આ અભિગમને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં હોટલ રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમોની તપાસણી કરવામાં આવે છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના જાહેર આરોગ્યને ધ્યાને લઈ છેલ્લા ૧૦ માસ દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા સબંધિત આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન ૧૦ માસ દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ૨૦ જેટલી દુકાનો/રેસ્ટોરન્ટમાં નાગરિકોના આરોગ્યને નુકશાન કરતી ગંભીર ક્ષતિઓ જેવી કે, સ્વચ્છતાનો સદંતર અભાવ, ગંદકી, ઉપરાંત બગડેલા ખાદ્ય પદાર્થો અને ખાવાની ચીજોમાં ગંદકી જોવા મળી હતી, જે લોકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આવા એકમોને કાયદાની જોગવાઈને આધિન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત શીલ કરી અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૧૩.૧૫ લાખનો દંડ/વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે અને જાહેર આરોગ્ય જોખમાતું હોય અન્ય એકમો પાસેથી રૂપિયા ૭.૧૯ લાખનો દંડ/વહીવટી ચાર્જ મળીને કુલ ₹૨૦.૩૪ લાખ વસુલ કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં, તેમજ લોકોના આરોગ્ય માટે જોખમી ખાદ્યપદાર્થો અને સ્વચ્છતાની અન્ય બાબતો પરત્વે આવી હોટલો, ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધિન કાર્યવાહી કરવામાં આવશે, તેમ મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવાયું છે.





