
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૪ નવેમ્બર : દર વર્ષે મહિલા દિવસ પર મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમો યોજી જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેથી મહિલાઓ પોતાનામાં રહેલી ખૂબીઓને બહાર લાવી આત્મનિર્ભર બની શકે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે. આમ, છતાં પણ વિશ્વભરમાં મહિલાઓ વિવિધ હિંસાનો ભોગ બનતી રહે છે. આ દુષણને ડામવા યુનાઇટેડ નેશન્સે ૨૫ નવેમ્બરના રોજ “મહિલાઓ સામેની હિંસા નાબુદીનો દિવસ” તરીકે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. મહિલાઓ ઘર, સમાજ, કાર્યસ્થળ પર જાતીય અને માનસિક સતામણી, ઓનલાઈન માધ્યમો, શાળા, કોલેજ, જાહેર સ્થળો પર જુદી જુદી હિંસાનો ભોગ બનતી હોય છે. વિશ્વના દેશોમાં લોકશાહી હોય, રાજાશાહી હોય કે સરમુખત્યારશાહી શાસન હોય મહિલાઓ સામે હિંસા, અપરાધો અને માનવ અધિકારોના ઉલ્લંઘનના કિસ્સાઓ દરેક જગ્યાએ જોવા મળે છે. આ દિવસે વિશ્વભરના દેશોમાં મહિલાઓને જાગૃત કરવા વિવિધ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મહિલાઓને પોતાની સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ, મહિલાઓ પર થતી હિંસાઓ વિરુદ્ધના કાયદાઓ અને મહિલાઓ શિક્ષણનું મહત્વ સમજે તે માટે જુદા જુદા જાગૃતિ કાર્યક્રમો થશે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની મહિલાઓ સુરક્ષિત રહે તે માટે મહિલાલક્ષી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, નારી સંરક્ષણ ગૃહ, નારી અદાલત સહિતની યોજનાઓ અમલીકૃત છે. જે મહિલા પર થતી હિંસા અને માનસિક ત્રાસ સંદર્ભે કેસોનું નિરાકરણ કરીને મહિલાઓને જીવન જીવવાની નવી દિશા બતાવે છે.




