Lodhika: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા સઘન તાલીમ

તા.૨૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મેટોડા, દેવગામ, પારડી, ઢોલરા, પાભર ઈટાળા વગેરે ગામોના ૧૨૦થી વધુ ખેડૂતોને કરાયા પ્રશિક્ષિત
Rajkot, Lodhika: રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીનને નંદનવન બનાવી, ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તેના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો ઝેરમુક્ત અને ઝીરો બજેટવાળી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સઘન તાલીમ અપાઈ રહી છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી સઘન તાલીમ ચાલી રહી છે.
લોધિકા તાલુકામાં હાલમાં જ મેટોડા, દેવગામ, પારડી, ઢોલરા, પાભર ઈટાળા વગેરે ગામોમાં તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. જેમાં ખેતીવાડી શાખામાંથી વિસ્તરણ અધિકારી શ્રી રસિકભાઈ ધોરાળીયા તેમજ ગ્રામ સેવક અશ્વિનભાઈ ચાવડા, ધવલભાઈ ચંદ્રવાડિયા, ક્રિષ્નાબેન મુંગલપરા વગેરેએ હાજર રહીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સર્વાંગી માર્ગદર્શન આપ્યું હતું. આ વિવિધ ગામોમાં આશરે ૧૨૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ શું છે ત્યારથી શરૂ કરીને તેના ફાયદા સમજાવાયા હતા. આ સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (વરાપ) અને મિશ્ર પાકની વિસ્તૃત સમજ અપાઈ હતી. ઉપરાંત જીવામૃત તથા બીજામૃત કેવી રીતે બનાવવું તે પણ શીખવવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિના અગણિત ફાયદાઓ જોઈને ખેડૂતોએ પણ તેને અપનાવવા નિર્ધાર કર્યો હતો.




