આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “લાગણીનું વાવેતર- 3” કાર્યક્રમ યોજાયો
13 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) યુનિટ દ્વારા “લાગણીનું વાવેતર-03” અંતર્ગત “સેવા સન્માન” કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓના પરિવારના અશકત, વિકલાંગ, માનસિક રીતે અસ્વસ્થ સભ્યોની તેમના પરિવારના અન્ય સભ્ય દ્વારા સેવા ચાકરી કરાતી હોય તેવા સભ્યોને રાષ્ટ્રીય સેવા યોજના ( N.S.S) યુનિટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તેમના પરિવારના સેવાનિષ્ઠ સભ્યનું પૂજન-અર્ચન કરી સંસ્થા તરફથી સાલ, સાડી, મોમેન્ટ અને મીઠાઈ તથા વિધાર્થીઓને ટિફિન બોક્સ, પાણી ની બોટલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી, સુપરવાઈઝરશ્રી લવજીભાઈ ચૌધરી અને શિક્ષકશ્રી ભરતભાઈ ચૌધરીએ સેવાનિષ્ઠ સભ્યશ્રીઓના સેવાકાર્યને બિરદાવી અશક્ત દિવ્યાંગ અને માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ પ્રત્યે વિદ્યાર્થીઓમાં સંવેદના, પ્રેમ અને હુંફને ઉજાગર કરી હતી. આ પ્રસંગથી વિદ્યાર્થીઓ ભાવવિભોર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા આવ્યું હતું. આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમોનું સુચારુ આયોજન થયું હતું.