વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં આગામી ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા લેવામાં આવ્યો છે,જેના પગલે ૯૫ ટકા કરતા વધુ આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં ભારે નિરાશા અને રોષ વ્યાપી ગયો છે.આદિજાતિ વિકાસ કમિશ્નર, ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે સૂચના આપવામાં આવી છે.આ પરિપત્ર મુજબ, રાજ્યમાં ફક્ત ચાર જિલ્લાઓ – દાહોદ, છોટાઉદેપુર, સુરત (માંડવી), અને વલસાડમાં જ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. અન્ય જિલ્લાઓમાં થનારા કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ સરકારી સ્તરેથી મળેલી સૂચના મુજબ આ પગલું લેવામાં આવ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાના પ્રાયોજના વહીવટદારે એક પરીપત્ર દ્વારા તમામ જિલ્લા સંકલન અધિકારીઓને જાણ કરી છે કે, ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી આહવા ખાતેના આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં ભવ્ય રીતે થવાની હતી.આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો અને સમુદાયના લોકો ભાગ લેવા માટે ઉત્સુક હતા.જોકે, ઉપરોક્ત પરિપત્ર બાદ આ કાર્યક્રમને તાત્કાલિક મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.ડાંગ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાંનો એક છે. અહીંની કુલ વસ્તીના ૯૫ ટકાથી વધુ લોકો આદિવાસી સમુદાયના છે. આથી, ‘વિશ્વ આદિવાસી દિવસ’નું અહીં ખૂબ જ મહત્ત્વ છે.સ્થાનિક આદિવાસી સમાજ માટે આ દિવસ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસને ઉજાગર કરવાનો એક મહાન અવસર હોય છે.આ વર્ષે પણ, આયોજન સમિતિ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્યો, ગીતો અને કલા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતુ.ડાંગના આદિવાસી સમુદાયમાં આ દિવસને લઈને ભારે ઉત્સાહ હતો અને લોકો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા.પરંતુ, કાર્યક્રમ રદ થવાથી તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.આ નિર્ણયને કારણે સ્થાનિક આદિવાસી આગેવાનો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટનાથી ડાંગના આદિવાસી સમુદાયમાં તણાવની સ્થિતિ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ત્યારે રાજય સરકાર આદિજાતિ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે ઘટતુ કરે તેવી માંગ ઉઠવા પામી છે..