GUJARATKUTCHMUNDRA

સાડાઉંમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો – 33 કાર્ડ બનાવવામાં આવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.- 8 જુલાઈ : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ભારતમાં “સંકલ્પ સે સિદ્ધિ” અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો પૈકી એક મહત્વપૂર્ણ કાર્ય એટલે આયુષ્માન ભારત યોજના હેઠળ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન. મુન્દ્રા તાલુકાના સાડાઉં ગામે મણીલાલભાઈ ગાલાની ઓફિસે આવા એક કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 33 કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ નાગાજણ વિશ્રામ ગઢવી સહિત માનસીભાઈ ગઢવી, ભવાનભાઈ રોસીયા, જાન મામદ સાંધ, પરબતભાઈ ફકીરા, રાજુભાઈ ડુંગરિયા, કાનજીભાઈ, અબ્દુલભાઈ તથા સાલેમામદ અલીમામદ જેવા અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને આયુષ્માન યોજના અંતર્ગત આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો હતો. લોકોને દોડધામ કર્યા વિના સ્થળ પર જ કાર્ડ બનાવી આપી, તેમને આરોગ્ય ક્ષેત્રે લાભાર્થી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

લાભાર્થી નાગરિકોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, “કટોકટી વખતે આપણે હોસ્પિટલના દરવાજા સુધી દોડ ન કરી શકીએ, ત્યારે સરકાર જો દરવાજા સુધી આરોગ્ય કાર્ડ આપે તો એથી વધુ શું જોઈએ?” તેઓએ આ કેમ્પને આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. આયુષ્માન કાર્ડ દ્વારા દરેક નાગરિકને રૂ. ૫ લાખનું આરોગ્ય કવરેજ મળતું હોવાથી, આવા કેમ્પો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટે આશાવાદરૂપ સાબિત થઈ રહ્યા છે.

આ કાર્યક્રમને લઈને ગામના સ્થાનિક આગેવાનો અને આરોગ્ય તંત્ર વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું. લોકોને સમયસર માહિતી આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમોએ પણ કાર્યક્ષમતા સાથે કામગીરી સંભાળી હતી. એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે, બુધવારે, શેખડીયા મુસ્લિમ સમાજ વાડીમાં પણ આવા જ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!