
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ ઓગસ્ટ : ભારત માતાના બેટા એવા જવાનોએ સરહદી ગામના બાળકોને પુરી પાડી પ્રેરણા-અલૈયાવાંઢ, નાના દીનારા: તા: ૧૫: આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાના, ભુજ તાલુકાના અલૈયાવાંઢ,નાના દીનારા ગામે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની ઉપસ્થિત વચ્ચે, ૭૮મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો હતો.છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવતા ‘તિરંગા યાત્રા’ તથા ‘એક પેડ, માં કે નામ’ જેવા કાર્યક્રમોને કારણે, ગ્રામજનોમાં જાગેલી અનોખી દેશભક્તિની ભાવનાને રજૂ કરતા, અહીં બાલવાટિકાના ભૂલકાંઓથી લઈ ધોરણ આઠ સુધીના બાળકોએ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી, અનોખો માહોલ ખડો કર્યો હયો.દરમિયાન સરહદની રક્ષા કરતા માં ભારતીના ચાર જેટલા સપૂતો એ, ગામના આ ઉજવણી કાર્યક્રમમાં પધારી ગ્રામીણજનો, વિદ્યાર્થીઓ, અને ગુરુજનોમાં અનોખી લોકચેતના જગાવી હતી. ભાવિ પેઢી સમાન વિદ્યાર્થીઓને દેશભક્તિનો પાઠ શીખવતા આ જવાનોએ, બાળકોને ચોકલેટ અર્પી, તેમનું મોં મીઠુ કરાવી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.અલૈયાવાંઢ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી જિગરસિંહ ખેંગાર તથા શાળા પરિવારે, જવાનો તથા ગ્રામજનોનું સ્વાગત કરી સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.ધ્વજવંદન કાર્યક્રમ અગાઉ અલૈયાવાંઢ,નાના દીનારા ગામની ગલીઓમાં શાળાના બાળકોએ તિરંગા યાત્રા યોજી, દેશભક્તિનો માહોલ ખડો કર્યો હતો. આંગણે આવેલા આઝાદીના આ મહોત્સવને વધાવતા, શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે, શાળા પટાંગણમાં ‘એક પેડ, માં ભારતી કે નામ’ ના નારા સાથે, વૃક્ષારોપણ પણ કરાયું હતું.







