
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મનીષ મારકણા દ્વારા ડાંગ પ્રાંત અધિકારી મારફતે રાજ્ય ચૂંટણી આયોગ અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર રજાના દિવસે પણ ડાંગ જિલ્લામાં સરકારી કચેરીઓ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે, જેથી ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પૂરતો સમય મળી રહે અને તેઓ આરામથી પ્રક્રિયા પૂર્ણ કરી શકે.હાલમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણીઓ, અને વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીની કાર્યવાહી અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા દરમિયાન શૈક્ષણિક પછાત વર્ગના દાખલાઓ, ગ્રામ પંચાયતને લગતા અન્ય ફોર્મ પર તલાટી કમ મંત્રીની સહી જેવી આવશ્યકતાઓ ઊભી થાય છે.મનીષ મારકણાએ રજૂઆત કરી છે કે ચૂંટણી અત્યંત સંવેદનશીલ બાબત હોવાથી, તમામ તલાટી કમ મંત્રીઓ ગ્રુપ ગ્રામ પંચાયત અને પોતાના મતવિસ્તારમાં રજાના દિવસે પણ હાજર રહે. ખાસ કરીને આગામી શનિવારની બકરી ઈદ અને રવિવારની જાહેર રજા દરમિયાન પણ ગ્રામ પંચાયતો પર તલાટી કમ મંત્રીઓ હાજર રહે તેવી માંગ કરવામાં આવી છે, જેથી ઉમેદવારો અને અન્ય સભ્યોને જરૂરી દસ્તાવેજો મેળવવામાં મુશ્કેલી ન પડે.આ ઉપરાંત, આવેદનપત્રમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે ચૂંટણી અધિકારીઓ પણ ઉમેદવારી ફોર્મ આપવા માટે કચેરી પર હાજર રહે. આનાથી યોગ્ય ઉમેદવારને પૂરતો સમય મળી રહેશે અને તેઓ પોતાની ઉમેદવારી વ્યવસ્થિત રીતે નોંધાવી શકશે.ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને આ મામલે યોગ્ય આદેશ કરવા વિનંતી કરી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે અને અવરોધ વિના પૂર્ણ થઈ શકે એમ છે..



