NATIONAL

DGCA નો આદેશ, તમામ પ્લેનની ફ્યૂલ સ્વિચનું ચેકિંગ ફરજીયાત

અમદાવાદમાં એર ઇન્ડિયા અકસ્માત અંગે AAIB ના પ્રારંભિક રિપોર્ટ પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ એક મોટો આદેશ જારી કર્યો છે. ડીજીસીએએ તમામ ભારતીય રજિસ્ટર્ડ ફ્લાઇટ્સના એન્જિન ફ્યુઅલ સ્વિચની ફરજિયાત તપાસના આદેશો જારી કર્યા છે. એએઆઇબીના રિપોર્ટ પછી આ પગલું લેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2025 છે.

ડીજીસીએએ સ્પષ્ટતા કરી છે કે ડિઝાઇન/ઉત્પાદન રાજ્ય દ્વારા જારી કરાયેલ એરવર્થિનેસ નિર્દેશોના આધારે આ તપાસ જરૂરી બનાવવામાં આવી છે. આ નિયમ ભારતમાં નોંધાયેલા તમામ વિમાનો, એન્જિનો અને ઘટકો પર લાગુ થશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “ડીજીસીએના ધ્યાનમાં આવ્યું છે કે એસએઆઇબી મુજબ ઘણા ઓપરેટરો, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને, તેમના વિમાન કાફલાનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિમાનના તમામ એરલાઇન ઓપરેટરોને 21 જુલાઈ 2025 સુધીમાં તપાસ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. તપાસ પછી નિરીક્ષણ યોજના અને અહેવાલ સંબંધિત પ્રાદેશિક કાર્યાલયને જાણ કરીને કાર્યાલયમાં સબમિટ કરવામાં આવશે.” તમને જણાવી દઈએ કે ગયા મહિને અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાનની તપાસમાં પ્રારંભિક અહેવાલ આવ્યા બાદ વિશ્વભરની મોટી એરલાઇન્સે બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ સ્વીચમાં લોકીંગ મિકેનિઝમની તપાસ શરૂ કરી દીધી છે.

અમદાવાદ અકસ્માતમાં સામેલ વિમાન VT-ANB, 2023 થી સ્વચ્છ જાળવણી રેકોર્ડ ધરાવતો હતો, જેમ કે શનિવારે પ્રારંભિક રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ જરૂરી તપાસ કરવામાં આવી હતી અને વિમાન પાસે માન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણપત્રો હતા. એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 દુર્ઘટનાની શરૂઆતની તપાસમાં કહેવામાં આવ્યું છે કે વિમાન ક્રેશ થયાના થોડાક સેકન્ડ પહેલા એક પાઇલટે બીજાને પૂછ્યું કે તેણે એન્જિનમાં ફ્યૂલ કેમ બંધ કર્યું, પરંતુ બીજા પાઇલટે તેમ કર્યુ હોવાનો ઇનકાર કર્યો.

આ રિપોર્ટ બાદ એતિહાદ એરવેઝે તેના એન્જિનિયરોને B-787 ફ્લાઇટ્સમાં સ્વિચના લોકીંગ મિકેનિઝમ તપાસવા કહ્યું છે. અન્ય એરલાઇન્સે પણ આવી રીતે પગલાં લેવાનું શરૂ કર્યું છે, અથવા તેમ કરવાની યોજના બનાવી રહી છે.

Back to top button
error: Content is protected !!