AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની આહવા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે ૧૭ વર્ષીય કિશોરીએ જીવ ગુમાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવા  દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ની ઘોર બેદરકારીને કારણે ડાંગ જિલ્લાનાં વાંવદા ગામમાં એક 17 વર્ષીય કિશોરીને વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નિપજ્યુ છે.આ ઘટના બાદ DGVCL ની કાર્યપ્રણાલી અને સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર,ગતરોજ સાંજે લગભગ ચાર કલાકનાં અરસામાં વાંવદા ગામની ધ્રુવી કુમારી રાજુભાઈ સાપટે (ઉંમર આશરે 17 વર્ષ) પોતાના ઘર પાસેના વાડામાં ઘાસ નિંદામણ કરી રહી હતી.તે દરમિયાન નજીકમાં આવેલા DGVCL દ્વારા નાખવામાં આવેલા વીજપોલ પરના અર્થિંગ વાયરના સંપર્કમાં આવતા ધ્રુવીને વીજ કરંટ લાગ્યો હતો. અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યુ હતુ.આ ઘટના બાદ અનેક શંકાઓ ઉપસ્થિત થઈ રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે DGVCL દ્વારા આવા જીવંત પાવર લાઇનના પોલ પર ઉતારવામાં આવેલા અર્થિંગ વાયરોને ઇન્સ્યુલેટેડ પાઈપ કેમ નાખવામાં આવ્યા નથી ? ગ્રામજનોનું કહેવું છે કે વાંવદા ગામમાં નાખવામાં આવેલી તમામ પાવર લાઇનના એક પણ પોલ પર અર્થિંગ વાયરને કોઈ ઇન્સ્યુલેટેડ પાઈપ નાખવામાં આવ્યા નથી.એટલું જ નહીં, દરેક પોલ પર અર્થિંગ વાયર તાર અધ્ધર લટકતા જોવા મળી રહ્યા છે, જેને લોકો DGVCL ની ખુલ્લી લાપરવાહી માની રહ્યા છે.આ જ લાપરવાહીના કારણે આજે એક નિર્દોષ કિશોરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.આ માત્ર ડાંગ જિલ્લાનાં વાંવદા ગામની જ નહીં, પરંતુ ડાંગના તમામ ૩૧૧ ગામોમાં પણ DGVCL ની આવી જ બેદરકારી હશે એવી ચર્ચાએ પણ પંથકમાં જોર પકડ્યું છે.લોકોએ DGVCL ના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ગંભીરતાથી લઈ, દરેક પોલ પર ઉતારવામાં આવેલા અર્થિંગ વાયરને ઇન્સ્યુલેટેડ પાઈપ નાખવામાં આવે તેવી સખત માંગ ઉઠાવી છે.આ ઘટનામાં વીજ કરંટનાં પગલે ઇજાગ્રસ્ત પામેલ ધ્રુવી કુમારી રાજુભાઈ સાપટેને 108 એમ્બ્યુલન્સ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.જોકે ફરજ પરનાં ડોકટરોએ મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.સાથે આ ઘટનાની સંપૂર્ણ પારદર્શિતા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.આ દુર્ઘટનાએ DGVCL ની વિદ્યુત સુરક્ષા વ્યવસ્થા પર લાલબત્તી ધરી છે.ત્યારે આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!