
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં સોનુનીયા ગામ ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ ખેતરમાં ઝાડની છીદંણી કરી રહ્યા હતા તે દરમિયાન ઝાડની ટોચની ડાળી ઉપરથી પગ લપસી જતા તેઓ જમીન પર પડી ગયા હતા અને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આહવા તાલુકાનાં સોનુનિયા ગામ ખાતે રહેતા હરિભાઈ નવસુભાઈ પ્રધાન (ઉ. વ.60) પોતાના ખેતરમાં સાદડના ઝાડ ઉપર ચડી ઝાડની છીદંણી કરવા ડાળીઓ કાપતા હતા. તે દરમિયાન તેમનો પગ ડાળી ઉપરથી લપસી જતા તેઓ ઝાડ ઉપરથી નીચે પડી ગયા હતા.જેમાં તેમના જમણા હાથમાં તથા શરીરે ઓછી વધતી મુંઢ ઇજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ પડ્યા હતા.ત્યારે તેમની પત્ની ત્યાં અવાજ સાંભળીને આવી પહોંચી હતી.અને આસપાસના લોકોને બોલાવી લાવી હતી.જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ધોરણે શામગહાન સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ બનાવને પગલે શામગહાન હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.તેમજ આ બનાવ સંદર્ભે સાપૂતારા પોલીસ મથકનાં હે.કો.શક્તિસિંહ સરવૈયાએ આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





