સાયન્સ કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે “પ્રધાનમંત્રી મુદ્રા યોજના: વિકસિત ભારત @2047 ના ધોરણે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના આધાર-સ્તંભ” પર એક દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો

4 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઑફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઑફ કૉમર્સ, પાલનપુરના વાણિજ્ય ફેકલ્ટી અને આઇક્યુએસી દ્વારા આયોજિત અને અમદાવાદ સ્થિત કેસીજી દ્વારા પ્રાયોજિત એક દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ “પ્રધાનમંત્રી મુદ્રા યોજના: વિકસિત ભારત @2047 ના ધોરણે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના આધાર-સ્તંભ” શનિવાર, 31 જાન્યુઆરી, 2026ના રોજ જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર ખાતે સફળતાપૂર્વક સમાપન થયો.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) વિશે જાગૃતિ વધારવી, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે તેની ઉપયોગિતા સમજાવવી અને વિકસિત ભારત @2047ના ધ્યેયમાં આ યોજના કેવી રીતે મહત્વનો ફાળો આપી શકે તે વિશે પ્રતિભાગીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શોધકો, શિક્ષકો, વ્યવસાયીઓ તથા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો.
કાર્યક્રમની શરૂઆત ના સત્રમાં મેનેજીંગ કમીટીના સભ્ય શ્રી હર્ષભાઈ વકીલ, પૂર્વ નિયામક ર્ડા. ગીરીશભાઈ ઠાકર, ર્ડા. એમ. વી. હાથી, એકેડેમિક ડાયરેક્ટર ર્ડા. અમીત કે. પરીખ, આચાર્ય પ્રી. ર્ડા. વાય બી. ડબગર, ની હાજરી સાથે સંપન્ન થયું. મુખ્ય વક્તવ્ય એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર, અરવલ્લી (મોડાસા)ના સંકલક શ્રી લક્ષ્મણભાઈ ડી. પરમારે મુદ્રા યોજનાની વિગતો, લોન પ્રકારો (શિશુ, કિશોર અને તરુણ), પાત્રતા, દસ્તાવેજીકરણ અને રિપેમેન્ટ વ્યવસ્થા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રથમ આમંત્રિત વ્યાખ્યાનમાં શ્રી મેહુલભાઈ જે. પંડ્યાએ મુદ્રા લોનની પ્રક્રિયા, પાત્રતાના નિયમો અને યોજનાનો લાભ લેવા માટેના આવશ્યક દસ્તાવેજો વિશે વિગતવાર માહિતી આપી. દ્વિતીય આમંત્રિત વ્યાખ્યાનમાં શ્રી અલીશ કુમાર (મુખ્ય વ્યવસ્થાપક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, પાલનપુર શાખા)એ બેંકિંગ પદ્ધતિઓ, લોનના પ્રકારો, ધિરાણ સુલભતા અને ઉદ્યોગસાહસિકો માટેના વિવિધ બેંકિંગ ઉત્પાદનો પર માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમના અંતિમ સત્રમાં સન્માનિત અતિથિઓ દ્વારા પ્રતિભાગીઓને પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યા. વર્કશોપમાં ભાગ લેનારાઓએ યોજનાની પ્રક્રિયાઓ વિશે સીધી જાણકારી મેળવી અને તેનો લાભ લઈને સ્વ-રોજગારી તથા ઉદ્યોગ વિસ્તારણ માટેની રણનીતિ વિકસાવવા માટે માર્ગદર્શન મેળવ્યું.
ર્ડા. અજીતભાઈ પરમાર, ર્ડા. સુનિલભાઈ ચૌધરીના માર્ગદર્શન તથા પ્રો. આર. ડી. વરસાત, પ્રો. ડી. એન. પટેલના સાંનિધ્યમાં સમગ્ર કોમર્સના સ્ટાફમીત્રો દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન ર્ડા. કે. કે. માથુર અને ર્ડા. વિજય પરમાર દ્વારા કરવામાં આવ્યું.




