જાણિતા ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક લોકડાયરામાં ગીરની વાત કરતા સમયે ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ડાંગ-આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લેવાય છે અને કપડાં પણ રહેવા દેતા નથી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજભાના આ નિવેદન બાદ ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આપના ધારાસભ્ય ચૈતર વસાવા, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને ડાંગના સામાજિક કાર્યકર સહિત ડાંગ-આહવાના લોકોએ રાજભા ગઢવીના નિવેદનનો વિરોધ કર્યો છે. ડાંગ-આહવાના આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. કેટલીક જગ્યાએ રાજભાના પૂતળાનું દહન કરાયું છે. ત્યારે હવે વિવાદ વકરતા રાજભા ગઢવીને ભૂલનું ભાન થયું છે અને તેમણે માફી માગી છે. તેમણે કહ્યું કે, ‘ડાંગમાં લૂંટાય છે એવું કહ્યું છે આદિવાસીઓનો ઉલ્લેખ નથી કર્યો. ફક્ત પ્રાંતનું નામ લઈ દાખલો આપ્યો હતો. હવે હું ડાંગ-આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું.’
ડાંગના જંગલો અંગે વિવાદિત ટિપ્પણી બાદ વિવાદ વકરતા લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ વીડિયો બનાવીને માફી માગી છે. તેમણે કહ્યું છે કે, ‘બે દિવસથી વાત ચાલ છે કે વનબંધુ-આદિવાસીભાઈઓને એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ વિશે આવું બોલ્યો છું, લૂંટી લે એવું. વિદેશની વાત કરતા કરતા મેં ડાંગનું નામ લીધું હતું. હું આદિવાસી-વનવાસી શબ્દ ક્યાંય બોલ્યો નથી. હું પણ વનબંધુ પરિવારનો સભ્ય છું. હું પણ ગીરમાંથી આવું છું. મેં લૂંટી લે તેમના માટે બોલ્યો છું, બીજે ક્યાંકથી આવીને લૂંટી લેતા હોય એવું બનતું હોય છે. મેં દરેક સમાજની સારી જ વાત કરી છે. આજે પણ સમાજના નામથી કરી નથી.’