મહીસાગર જિલ્લાના થાણાસાવલીમાં ‘મિશન શક્તિ’ અંતર્ગત બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના થાણાસાવલીમાં ‘મિશન શક્તિ’ અંતર્ગત બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના થાણાસાવલી ગામ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિશન શક્તિ યોજનાના જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) અંતર્ગત બાલિકા પંચાયતના સભ્યો સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાલિકા પંચાયતના સભ્યોમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવો અને તેમને સરકારી યોજનાઓ તેમજ સમાજમાં તેમના અધિકારો પ્રત્યે સજાગ કરવાનો હતો. આ પ્રેરણાદાયી સંવાદ દરમિયાન કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા બાલિકા પંચાયતના સભ્યોને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, બાળ અધિકારો, બાળ સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટેના માધ્યમ બનવા અને પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ મંચ દ્વારા કિશોરીઓને પોતાની શક્તિ ઓળખી નેતૃત્વ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણનો મહત્વનો સંદેશ આપવાના હેતુથી બાલિકા પંચાયતના સભ્યોના હસ્તે વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સભ્યોને થાણાસાવલી ખાતેના આયુષ્માન આરોગ્ય મંદિર (PHC) ની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. જ્યાં આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સેવાઓ જેવી કે કિશોરી આરોગ્ય, માતા અને બાળ આરોગ્ય સેવાઓ તેમજ આરોગ્ય વિભાગની કામગીરી અંગે તેમને પ્રત્યક્ષ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ ગામમાં આરોગ્ય વિષયક સજાગતા ફેલાવી શકે.
સમગ્ર આયોજનમાં આરોગ્ય વિભાગના સી.એચ.ઓ (CHO), જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના જેન્ડર સ્પેશિયાલીસ્ટ, સખી વન સ્ટોપ સેન્ટરના કેસવર્કર તેમજ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સભ્યોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ થકી કિશોરીઓમાં નેતૃત્વના ગુણો ખીલવવા, સરકારી યોજનાઓનો વ્યાપ વધારવા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવામાં સફળતા મળી હતી



