મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ડીસા સ્થિત ધી રાણપુર- વડાવાસ સહકારી મંડળીની મુલાકાત લીધી

27 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરતા મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે દિશામાં સૌ કોઈએ કામ કરવું જોઈએ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહકારી મંડળીઓએ ખેડૂતોને ઉપયોગી એવા જન ઔષધી કેન્દ્ર, સી.એસ.સી સેન્ટર, બેંક મિત્ર, ગ્રોસરી સ્ટોર ચાલુ કરવા જોઈએ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ધી રાણપુર – વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરી હતી. સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતું ધિરાણ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, ગ્રેડિંગ સિસ્ટમ, ગોડાઉનની યોજનાઓ વગેરે મંડળી દ્વારા થતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તથા આગામી સમયમાં જિલ્લામાં વધારે સહકારી પ્રવૃત્તિઓ થાય તે જરૂરી છે. આ સાથે પેક્સ (પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ કો. સોસાયટી) નવા ઈનોવેટિવ લે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અન્વયે બેંક તથા અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ સેવા સહકાર મંડળીઓ માટે ભારત સરકારના નવા ઈનોવેટિવ ચાલે છે. તેમજ મંડળીના તમામ કાર્યવાહકોને નવા ઈનોવેટિવ લેવા માટે પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામને જણાવ્યું હતું કે, ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે દિશામાં સૌ કોઈએ કામ કરવું જોઈએ. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ થાય, સહકારી મંડળીઓએ ખેડૂતોને ઉપયોગી એવા જન ઔષધી કેન્દ્ર, સી.એસ.સી સેન્ટર, બેંક મિત્ર, ગ્રોસરી સ્ટોર ચાલુ કરવા જોઈએ. જીવન જરૂરી ચીજ વસ્તુઓ સ્ટોરમાં રાખી શકાય જેના કારણે ખેડૂતોને ગામડામાંથી શહેરમાં જવું ન પડે અને નવીન રોજગારીનું પણ સર્જન થઈ શકે.
ધી રાણપુર – વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળી છેલ્લા ૬૮ વર્ષથી ચાલે છે. આ મંડળીમાં રાણપુર અને કાંટ ગામના કુલ ૬૧૪ સભાસદો છે. મંડળી દ્વારા ધિરાણ અને વેપાર કરવામાં આવે છે. ખેડૂત સભાસદોને ધિરાણ આપવામાં આવે છે. જ્યારે બિયારણ અને જંતુનાશક દવાઓનું વિતરણ કરાય છે. ડીસા તાલુકામાં આ એકમાત્ર એવી મંડળી છે કે જે ઘઉંનું ક્લીનિંગ કરે છે. ઘઉંને સાફ કરી, ગ્રેડીંગ, સોટીંગ કરીને વેચવામાં આવે છે. આ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારીશ્રી નેહા પંચાલ, જિલ્લા રજિસ્ટ્રારશ્રી ડી.વી.ગઢવી, પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યા, ડીસા એ.પી.એમ.સીના ચેરમેનશ્રી ગોવાભાઈ દેસાઈ, એ.પી.એમ.સી ડીસાના ડિરેક્ટરશ્રી કલ્યાણભાઈ, સહકારી મંડળીના ચેરમેનશ્રી ચમનજી ઠાકોર તથા કમિટીના સભ્યો અને બનાસ બેન્કના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








