ABADASAGUJARATKUTCH

અબડાસા તાલુકાના પૈયાના ખેડૂતે રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક રીતે ઘઉંની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે માર્ગ કંડાર્યો.

હઠુભા સોઢાને પ્રાકૃતિક ખેતી થકી ખર્ચ ઘટવા સાથે નફામાં વધારો થયો : પ્રાકૃતિક ખેતી થકી કપાસ, એરંડા જેવા પાકોનું વાવેતર કરે છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા, તા-૧૯ જુલાઈ :  અબડાસા તાલુકાના પૈયાના હઠુભા જીજીભા સોઢા પ્રાકૃતિક ખેતીથી ઘઉં ઉગાડીને તાલુકાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. રાસાયણિક ખેતીમાં વધુ પડતા ખર્ચ તથા ઓછા નફાના કારણે મુશ્કેલી અનુભવતા હઠુભા પ્રાકૃતિક ખેતી તરફ વળીને હાલ ઘઉં સાથે અન્ય પાક પણ પ્રાકૃતિક પદ્ધતિથી લઇ રહ્યા છે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હઠુભા જણાવે છે કે, હું વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક ખેતી કરું છું, છેલ્લા પાંચ વર્ષથી આત્મા યોજના સાથે જોડાયેલો છું. આત્મા દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિની તાલીમમાં ભાગ લીધા બાદ પ્રાકૃતિક ખેતી વિષેની માહિતી મળતા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.જયારે હું રાસાયણિક ખેતીથી ઘઉંનું વાવેતર કરતો હતો ત્યારે એક એકર દીઠ ૩૦ હજારનો ખર્ચ તથા ચોખ્ખી આવક રૂપિયા ૭૦ હજાર થતી હતી. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં મને એક એકર દીઠ ૨૩ હજારના ખર્ચમાં ૧ લાખથી વધુની આવક થઇ રહી છે. ઉપરાંત બજાર ભાવ પણ સારા મળી રહ્યા છે, તેમજ મારી જમીનની ફળદ્રુપતા વધી થઇ છે. નીંદણની સમસ્યા હલ થઇ છે તથા પાણીની ગુણવત્તા સુધરવા સાથે જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટ્યું છે. રાસાયણિક ખેતીમાં પાકને વધારે પિયતની જરૂર પડે છે. જયારે હાલમાં પાણીની ખપત ઓછી થઇ છે.વધુમાં હઠુભા સોઢા જણાવે છે કે, વર્તમાનમાં પ્રાકૃતિક ખેતીમાં હું ઘઉં, કપાસ, એરંડા જેવા પાકો સાથે ઘાસચારો ઉગાડી રહ્યો છું. મારી સર્વે ખેડૂતોને અપીલ છે કે, તેઓ રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનો લાભ લઇને કિસાન સ્વહિત સાથે પ્રકૃતિ તથા લોકોના હિત માટે પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!