મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નું ઉદ્ઘાટન કર્યું
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે આયોજિત વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 50થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો અને 4500થી વધુ સ્ટાર્ટઅપ સંબંધિત લોકોએ ભાગ લીધો હતો. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં 42 સ્ટાર્ટઅપ્સે તેમના પ્રોડક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણાં યુવાઓની ઓળખ બની ગયો છે. ક્રિએટિવ થિંકિંગ અને નવીન વિચારોથી યુવા ઉદ્યોગ સાહસિકો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માઈન્ડ ટુ માર્કેટનો પાયો નાખવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ્સને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.”
વિશેષમાં, મહિલાઓ દ્વારા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે, અને વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર્ટઅપ્સ મહત્ત્વના મુકામ સર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”ની દિશામાં યુવાનો મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો અને સ્ટાર્ટઅપ્સનો મહત્વપૂર્ણ ફાળો રહેશે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતનું યોગદાન આગવું રહેશે.”
ફેસ્ટિવલમાં વિવિધ સેશન યોજાયા હતા, જેમાં લાઈવ પીચિંગ, લાઈવ ફંડિંગ, ઉદ્યોગ નિષ્ણાતો સાથે ચર્ચા, સ્ટાર્ટઅપ એક્સ્પો અને માર્ગદર્શક સત્રોનો સમાવેશ થતો હતો. સ્ટાર્ટઅપ્સને રોકાણકારો સાથે સીધા સંપર્કમાં આવવાની તક પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અમિતભાઈ શાહ, દર્શનાબેન વાઘેલા, હસમુખભાઈ પટેલ, ડો. પાયલબેન કુકરાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા, બોટ લાઈફ સ્ટાઇલના કો-ફાઉન્ડર અમન ગુપ્તા, ઇન-સ્પેસના જોઇન્ટ સેક્રેટરી લોચન સેહરા, SAC-ઇસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશ દેસાઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર બારહટ, સ્થાનિક કાઉન્સિલરો, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.
વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં આ પ્રકારનું અનોખું સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાતા યુવા ઉદ્યોગ સાહસિકોને એક ઉત્તમ મંચ મળી રહ્યો છે, જેનાથી નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે અને ગુજરાતનો ઉદ્યોગ સાહસિક ક્ષેત્ર વધુ વિકસશે.