અમદાવાદ જિલ્લામાં પોષણ ઉત્સવ 2025 ની ભવ્ય ઉજવણી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : રાષ્ટ્રીય પોષણ માહ 2025 અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે પોષણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા અને પોષણના મહત્ત્વ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.
જિલ્લા પંચાયત પરિસરમાં નવદુર્ગા બાલિકા પૂજન તથા પોષણ માસ કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને આયોગના ચેરમેન તેમજ અધિકારીઓની હાજરીમાં બાળકો અને મહિલાઓને પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
પોષણ ઉત્સવના મુખ્ય આકર્ષણ રૂપે જિલ્લાના 12 ઘટકમાંથી 72 બહેનોએ ટી એચ આર તથા મીલેટ અને સરગવા આધારિત પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. મહેમાનો દ્વારા આ વાનગીઓની પ્રશંસા કરવામાં આવી હતી અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક દૈનિક જીવનમાં શામેલ કરવાની સલાહ આપવામાં આવી હતી.
સ્પર્ધામાં ટીએચઆર અને મીલેટ એમ બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે સ્થાન મેળવનાર બહેનોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માતા યશોદા એવોર્ડ વર્ષ 2022-23 ના જિલ્લા સ્તરે પસંદ થયેલ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ઝોન ઈલાબા રાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કોરડીયા, કાપડિયા સહેબ, આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, સીડીપીઓ સહિતની અધિકારીઓ, આંગણવાડી બહેનો તથા કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્તરે યોજાયેલા આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પોષણ જાગૃતિ વધે છે અને મહિલાઓ તેમજ કિશોરીઓને સંતુલિત આહાર વિશે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. પોષણ ઉત્સવ દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળી રહી છે, જે ભવિષ્યમાં સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.