
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા. ૮ ફેબ્રુઆરી : તાજેતરમાં કચ્છ જિલ્લામાં ખાસ ભરતી અંતર્ગત વિધાસહાયકોની મોટી ભરતી કરવામાં આવી હતી જેમાં ભુજ તાલુકાને પણ વિશેષ સંખ્યામાં શિક્ષકો ફાળવાયા હતા. આ તમામ નવનિયુક્ત વિધાસહાયકોની સેવા માટે અગત્યનો દસ્તાવેજ ગણી શકાય એવી સેવાપોથીના નિર્માણ સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ રિજેન્ટા હોટલ, ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પ્રા. શિ.સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોર,રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ૩૦૦ થી વધારે નવનિયુક્ત વિધાસહાયકોની એક સાથે સેવાપોથી નિર્માણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મેહુલભાઈ જોશીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તો પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ તકે ચૂંટણી અધિકારી ધીરજભાઈ ઠક્કરે ઔપચારિક રીતે વર્ષ 2026 થી 28 માટે ભુજ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે મેહુલભાઈ જોશીના નામોની સતાવાર ઘોષણા કરી હતી જેને સૌએ વધાવી હતી. નવનિયુક્ત પ્રમુખ દ્વારા ખજાનચી તરીકે કાંતિભાઈ સુથાર અને ભુજ તાલુકા મહિલા સમિતિના અધ્યક્ષ તરીકે વિલાસબા જાડેજાની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ તાલુકા શૈક્ષીક સંઘના પ્રમુખ શામજીભાઈ કેરાસીયાને પુનઃ માતૃ સંસ્થા શિક્ષક સંઘમાં આવકાર અપાયો હતો. અગ્રણીઓ હરિસિંહ જાડેજા ,નિલેશભાઈ ગોર અને નયનસિંહ જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષકોને હક્ક સાથે પોતાની ફરજો પણ પ્રામાણિકતાથી બજાવવા અનુરોધ કર્યો હતો અને આયોજનને બિરદાવ્યું હતું. અભૂતપૂર્વ અને કચ્છમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં એક સાથે એસ.બી. નિર્માણના આ ભગીરથ કાર્યમાં હિતેશ મહેશ્વરી, વિરલસિંહ જાડેજા ,ધવલ ત્રિવેદી, નિલેશ અજાણી, જય ચનિયારા ,ઉત્તમ મોતા ,ઇન્દ્રજીતસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે આભારવિધિ હાર્દિક ત્રિપાઠીએ કરી હતી. કાર્યક્રમમાં એક્સિસ બેન્કના અમિતભાઈ ધામેચા અને હિતેશ પટેલ દ્વારા સેલેરી એકાઉન્ટ બાબતે સૌ શિક્ષકોને માર્ગદર્શિત કરાયા હતા. મ્યુચ્યુલ ફંડ સલાહકાર કિરણ ગોહિલ દ્વારા તમામ ઉપસ્થિતો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જે બદલ તાલુકા શિક્ષક સંઘે તેમનો સન્માન કરી આભાર માન્યો હતો.




