ભાણવડ તાલુકાની સરકારી વિનયન કૉલેજ ખાતે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
ભાણવડ તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ઉજવણી
પર્યાવરણના સંતુલન માટે વૃક્ષોનું જતન એ એકમાત્ર ઉપાય: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા
વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી રાજ્યને હરિયાળું બનાવવા આપ્યો સંદેશો
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની સરકારી વિનયન કૉલેજ ખાતે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવણીમાં નિમિતે “એક પેડ માઁ કે નામ” અભિયાન હેઠળ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું તેમજ રોપાઓનું વિતરણ પણ કર્યું હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આપણા ઉપનિષદોમાં મંત્ર છે “પ્રકૃતિ રક્ષતી રક્ષિતા” અર્થાત્ જે કોઈ પ્રકૃતિની રક્ષા કરે છે તેની રક્ષા સ્વયં પ્રકૃતિ કરે છે. પ્રાચીન વેદો અને ઉપનિષદોમાં પ્રકૃતિના રક્ષણાર્થે ઘણી વાતો પ્રસ્તુત કરવામાં આવી છે. જેને પગલે દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણની જાળવણી માટે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરી દેશ તથા રાજ્યને હરિયાળું બનાવવાનું આહવાન કર્યું છે. આ આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં વન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજ્યને હરિયાળું બનાવવા ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ આજે પર્યાવરણીય કટોકટી સામનો કરી રહ્યો છે. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને બહેતર બનાવવા માટે પર્યાવરણ સંતુલન સાથે ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ જ એકમાત્ર ઉપાય છે. આ પગલે આપણા વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કર્યું છે. જેને પગલે રાજ્યમાં આગામી માર્ચ મહિના સુધીમાં ૧૭ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પર્યાવરણને સાથે રાખીને વિકાસના મંત્ર સાર્થક કરવા આપણે સૌ મહત્તમ વૃક્ષોનું વાવેતર તથા જાળવણી કરવી પડશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલમાં જ થોડા દિવસો પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે ૭૫માં વન મહોત્સવનો પ્રારંભ તથા ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બીજા સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. આજરોજ વન મહોત્સવ અંતર્ગત ભાણવડ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા ચાલુ વર્ષે ૬૫ હજાર કરતાં વધારે વૃક્ષોનું વન કવચ, ગ્રામ વન અંતર્ગત વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ખાતાકીય નર્સરી દ્વારા ૦૧ લાખ કરતાં વધારે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આવો આપણે સૌ સાથે મળી ભાણવડ તાલુકામાં મહત્તમ વૃક્ષોનું વાવેતર કરીએ તથા રાજ્યને હરિયાળું બનાવવાના નેક પ્રયાસમાં આપણી ભાગીદારી નોંધાવીએ.
કાર્યક્રમ નિમિતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર તથા જતન કરવાની પ્રેરણા આપતી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મામલતદાર શ્રી અશ્વિન ચાવડા, પરિક્ષેત્ર વન અધિકારી સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ શ્રી કે.એચ.પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એલ.બૈડીયાવદરા, અગ્રણીશ્રીઓ પાલાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, કરશનભાઈ ભેડા, ચેતનભાઈ રાઠોડ, વી. ડી.મોરી, અજયભાઈ કારાવદરા સહિત પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ પ્રકૃતિ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.