AHAVADANGGUJARAT

વઘઇ પોલીસ અને એલ.સી.બી પોલીસની સંયુક્ત ટીમે ઉકેલ્યો ફોરેસ્ટ કર્મીની હત્યાનો ભેદ:-ત્રણ લાકડાચોરો ઝડપાયા..

સુરત રેંજ IGP પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘે ડાંગનાં વઘઇ પોલીસ મથકની કામગીરીને બિરદાવી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

તાજેતરમાં વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વન વિભાગના એક નિષ્ઠાવાન કર્મચારીની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવામાં ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમ અને એલ.સી.બી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે.ગત 31 જાન્યુઆરી 2026ના રોજ વઘઇ તાલુકાનાં બોરીગાંવઠા ગામે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથક સહીત જિલ્લામાં ચકચાર મચાવી હતી.મરણજનાર વનકર્મી સનતભાઈ ગનસુભાઇ બીરારી (ઉં.વ. 53), જેઓ વાંઝટઆંબાના રહેવાસી હતા અને ફોરેસ્ટ ખાતામાં કાયમી રોજમદાર તરીકે બારખાંધ્યા ફોરેસ્ટ નાકા પર ફરજ બજાવતા હતા. 31 જાન્યુઆરીની રાત્રે આશરે દોઢ વાગ્યે જ્યારે તેઓ પોતાની નોકરી પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બોરીગાંવઠા ગામ પાસે તેમણે ત્રણ શખ્સોને સાયકલ પર ચોરીનાં ગેરકાયદેસર લાકડા લઈ જતા જોયા હતા.પોતાની ફરજ સમજીને સનતભાઈએ આ લાકડાચોરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લાકડાચોરો અને સનતભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા વાંસના ડંડા વડે સનતભાઈના માથા અને કપાળના ભાગે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.આ ગંભીર ગુનાની જાણ થતા જ ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીએ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં આ કેસ સંપૂર્ણપણે ‘બ્લાઇન્ડ’ હતો, એટલે કે આરોપીઓ વિશે કોઈ જ કડી નહોતી. તપાસ માટે ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ મથકની ટીમ તથા LCB અને સ્થાનિક પોલીસની કુલ 10 ટીમો અને લગભગ 100 જેટલા જવાનોને કામે લગાડવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. વી. કે.ગઢવી,પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂત,પી.એસ.આઈ.જે.જી.અનડકટ સહીતનાં અધિકારીઓએ તપાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.જંગલ વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદ લેવામાં આવી.લાકડાચોરીમાં અગાઉ સંડોવાયેલા શકમંદોની કડક પૂછપરછ કરવામાં આવી.પોલીસની સતત મહેનતને પરિણામે બનાવના બીજા જ દિવસે આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી.જંગલમાં કોમ્બિંગ કરીને પોલીસે  1. પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ સોમાભાઇ પવાર (ઉં.વ. 21, રહે. કોસીમપાતળ)  2. હેમંતભાઇ સુકીરાવભાઇ મોતાભાઇ (ઉં.વ. 20, રહે. કોસીમપાતળ) 3. ઋત્વીકભાઇ મંજુભાઇ પવાર (ઉં.વ. 22, રહે. કોસીમપાતળ) ને ઝડપી પાડયા છે.પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ કોસીમપાતળના જંગલમાંથી સાગના લાકડા ચોરીને છુપી રીતે પગદંડી રસ્તે લઈ જતા હતા. જો તેઓ પકડાઈ જાય તો મોટું આર્થિક નુકસાન થાય તેમ હતું, તેથી પકડાઈ જવાના ડરથી તેમણે વન કર્મચારી સનતભાઈ પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. નોંધનીય છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રવિણ અને હેમંત અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.આજરોજ પોલીસ મહાનિરીક્ષક(IGP) પ્રેમવીરસિંઘ સુરત રેંજ તથા ડાંગ એસ.પી.પૂજા યાદવ ડાંગ જિલ્લાની વાર્ષિક તપાસણીમાં વઘઇ પોલીસ સ્ટેશન નોટ રીડીંગ વિઝીટમાં પધારી આ બ્લાઇન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલનાર વઘઇ પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.કે. ગઢવી, પી.એસ.આઈ.એમ.એસ.રાજપુત, LCB પી.એસ.આઈ.જે.જી. અનડકટનાઓને વ્યક્તિગત મળી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!