ત્રણ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નિરોણામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૦૯ સપ્ટેમ્બર : પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસના માર્ગદર્શન હેઠળ નિરોણાની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા તથા સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમની શરૂઆત કુમાર પ્રાથમિક શાળાની આચાર્યા કંચનબેન વડોર દ્વારા મહેમાનોનાં શાબ્દિક સ્વાગતથી થઈ. બાદમાં ટ્રાફિક પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન આપ્યું.
વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલનું મહત્વ, સીટબેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ, પગે ચાલનારાઓ માટેના નિયમો તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને વાહન ચલાવવાના જોખમ અંગે સમજાવવામાં આવ્યું. સાથે જ “સાવચેતી એ જ સુરક્ષા” નો સંદેશ આપતાં માર્ગ અકસ્માતો ટાળવા માટે નાના-નાના નિયમોનું પાલન કેવી રીતે જીવન બચાવી શકે તે અંગે પ્રેરણાત્મક ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા.
હાઇસ્કૂલના એસ.પી.સી. કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરાયેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન હાઇસ્કૂલના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય અબ્દુલભાઇનો સાથ સહકાર મળેલ હતો.





